દાહોદ જિલ્લા ઘણી શાળાઓ જર્જરિત હોવાથી તેને તોડી પાડવાની પરવાનગી માંગવામાં આવી છે. તેમજ તેમની જગ્યાએ નવા ઓરડા બનાવવાની પણ માંગ કરવામાં આવેલી છે. તેમ છતા દાહોદ જિલ્લાની શાળાઓમાં જીવના જોખમે આજે પણ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો સંજેલી તાલુકાની તરકડા મહુડી પ્રાથમિક શાળામાંથી સામે આવ્યો છે.
આ શાળામાં બપોરના સમયે બાળકો અને શિક્ષકો વર્ગમાં હતા તે દરમિયાન એકાએક છતના સિમેન્ટના પોપડા ખરી પડ્યા હતાં. આ બનાવ બનતા જ આસપાસના વર્ગોમાંથી બાળકો તેમજ શિક્ષકો દોડી આવ્યાં હતાં. સદ્ભાગ્યે કોઈપણ વિદ્યાર્થીને ઈજા પહોંચી નથી. પરંતુ એક શિક્ષકને ઇજા પહોંચતા સારવાર અર્થે તેમને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. હાલ તેમની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે શિક્ષણ કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.