દાહોદઃ જિલ્લામાં મુખ્ય આરોગ્ય સહિત કુલ 38 લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. આ 38 પૈકી દાહોદના વધુ એક તબીબનો પણ સમાવેશ છે. જિલ્લામાં 37 કેસો પૈકી 25 દર્દીઓ દાહોદ શહેરમાં નોંધાતા જિલ્લામાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો 492 પર પહોંચ્યો છે, ત્યારે એકલા દાહોદ શહેરનો 371 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાતા કોરોના સંક્રમણ વધુ ભયાનક વધી રહ્યો છે. જ્યારે વધુ 8 દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા અપાતા હાલ 278 સક્રિય કેસો છે.
દાહોદ જિલ્લામાં કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રોજિંદા સરેરાશ 20થી 35 જેટલા દર્દીઓ નોંધાવવાના કારણે જિલ્લાવાસીઓમાં ચિંતાનો માહોલ છે, ત્યાં જ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત 38 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
જિલ્લામાં અત્યાર સુધીનો કુલ આંકડો 492 પર પહોંચ્યો છે, તેમાંથી 184 લોકો કોરોના મુક્ત થતાં હાલ 278 એક્ટીવ કેસો છે અને જિલ્લામાં કોવિડ - 19 હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી કોરોનાના કેહેરથી કુલ 30 લોકોનો ભોગ લેવાતા આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. દાહોદ જિલ્લામાં વધતા જતાં કોરોના સંક્રમણને પગલે આરોગ્ય તંત્ર સમેત જિલ્લા વહીવટી તંત્ર ચિંતાનો માહોલ તો વધ્યો છે સાથે જ જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પહાડીયા પણ આજે પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં વધુ ચિંતા જાેવા મળી હતી. કારણ કે, મુખ્ય આરોગ્ય અધિકારી જ જ્યારે કોરોનાગ્રસ્ત થયા ત્યારે હવે સમગ્ર આરોગ્ય તંત્ર કોના તાબા હેઠળ સંચાલિત થશે તે પણ જિલ્લાવાસીઓમાં ચર્ચા થવા પામી છે.
વધુમાં મળતી માહિતી અનુસાર, મુખ્ય આરોગ્ય અધિકારી સહિત મુખ્ય વિવિધ 4 પદો ખાલી છે, ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં આ સમગ્ર કામગીરી હવે કોણ સંભાળશે તે એક પ્રશ્ન બની રહ્યો છે.