દાહોદઃ કોરોના સામે કલેક્ટર કચેરીમાં ‘યુદ્ધ કક્ષ’, ટેક્નોલોજીના સમન્વયથી દૈનિક કામગીરીની સમીક્ષા થશે. જિલ્લા સેવા સદનમાં આવેલા સ્માર્ટ સિટીના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને કોવિડ-19 વોર રૂમમાં પરિવર્તિત કરાયો હતો.
દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસને બહુ જ નિયંત્રિત રાખવામાં આરોગ્ય વિભાગની પ્રોએક્ટિવ સેમ્પિલિંગની ભૂમિકા મહત્વની છે. દાહોદમાં અત્યાર સુધી બહુ જ નિયંત્રિત રહેલા કોરોના વાઇરસના સંક્રમણને આગામી દિવસોમાં માટે કલેક્ટર વિજય ખરાડીએ બે દિવસ પહેલા માસ્ટર એક્શન પ્લાન અમલમાં મૂક્યા બાદ હવે જિલ્લા સેવા સદન ખાતે સ્માર્ટ સિટીના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને વોર રૂમ બનાવ્યો છે.
સરકાર દ્વારા બનાવવામાં આવેલા નેશનલ હેલ્થ પોર્ટલ સાથે દાહોદનું પણ જોડાણ થતાં ટેક્નોલોજીના સમન્વયથી કોરોના વાઇરસ સામેની રણનીતિ નક્કી કરાશે. આપત્તિની આ ઘડીમાં સરકારના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરીની સમીક્ષા દૈનિક ધોરણે અહીંથી જ કરાશે. દાહોદ કલેક્ટર વિજય ખરાડી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયાએ યુદ્ધ કક્ષની મુલાકાત લઇ નેશનલ હેલ્થ પોર્ટલ પર કોવિડ-19 વિભાગની જાણકારી મેળવી હતી. આ પોર્ટલ પર કરેલી કામગીરી ફિડ કરવામાં આવતાની સાથે જ તેનું વિસ્તૃત વિશ્લેષણ થઇ જાય છે. ગેપ એનાલિસીસ પણ થઇ જાય છે.
દાહોદ માટે સારી વાત એ છે કે, દાહોદ અત્યાર સુધી નોંધાયેલા કેસો સમગ્ર ગુજરાતની સાપેક્ષે બહુ જ ઓછો છે અને તે બાબતને ધ્યાને રાખીએ એવું માનવામાં આવે છે કે, કોવિડ-19નું સંક્રમણ ગુજરાતમાં જ્યારે પીક પર હોય ત્યારે દાહોદ જિલ્લામાં મહત્તમ 50 જેટલા કેસો નોંધાઇ શકે છે. કલેક્ટરની અધ્યક્ષતામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવતી રોજબરોજની કામગીરીની હવેથી દૈનિક ધોરણે આ યુદ્ધ કક્ષમાં સમીક્ષા કરવામાં આવશે. આ પોર્ટલ એવું પણ દર્શાવે છે કે, દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસ સામે જરૂરી સાધનો, માનવ સંસાધન, હોસ્પિટલમાં સુવિધા પણ પૂરતા પ્રમાણમાં છે. અહીં નાગરિકોને પણ હવે સ્માર્ટ બનવાની જરૂર છે.
સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી આરોગ્ય સેતુ એપ્લિકેશન કોવિડ-19 અંગેની જાણકારી માટેની મહત્વપૂર્ણ છે. આ એપ તેના વપરાશકર્તાને નજીકમાં રહેલા દર્દી, રેડ ઝોન, કન્ટેઇન્મેન્ટ એરિયા અને આરોગ્ય અંગેની સ્વમૂલ્યાંકનની સુવિધા પૂરી પાડે છે. દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસ સામેની રણનીતિના જ ભાગરૂપે જ તમામ ગામોમાં પાંચ-પાંચ યુવાનોને કોરોના વોરિયર્સ બનાવવામાં આવ્યા છે. જ્યારે, ફળિયા દીઠ ત્રણ કોરોના વોરિયર્સ બનાવાયા છે. જે ક્વોરોન્ટાઇન કરવામાં આવનારા કે કરાયેલા વ્યક્તિની સંભાળ રાખશે. આ ઉપરાંત, ગામોમાં મૂમેન્ટ રજીસ્ટર રાખવાની સૂચના આપવામાં આવી છે. જેમાં ગામમાં આવનારા તમામ લોકોની નોંધ કરવામાં આવશે.