દાહોદ : અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ વધી રહેલા નિસર્ગ વાવાઝોડાના કારણે દાહોદ જિલ્લાના હવામાનમાં એકાએક પલટો આવવાની સાથે ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા રહેલી હોવાનો હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે
જેના પગલે કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી તારીખ ૨ અને ૩જી જૂન દરમિયાનના 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. જેથી તે દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડતો હોય, ત્યારે લોકો ઘરમાં જ રહે અને બહાર જવાનું ટાળે તે ઇચ્છનીય છે. છેલ્લા ત્રણેક વર્ષના આંકડા ધ્યાને લેવામાં આવે તો માલૂમ પડે છે કે સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાના કારણે થયા છે. જેથી વરસાદના સમયે કોઇએ બીનજરૂરી બહાર નીકળવું નહી.
વધુમાં કલેક્ટરે જણાવ્યું હતુ કે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨૦ કે ૨૧ જૂનથી ચોમાસુ બેસવાની શક્યતા છે. જેથી તેને લગતી તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. જે તે વિભાગ સાથે બેઠકો યોજી આપાત્તકાલીન આયોજનની રૂપરેખા પણ તૈયાર કરી લેવામાં આવી છે.