દાહોદ લોકસભા મતવિસ્તારની આગામી 23મી એપ્રિલના રોજ મતદાન યોજાનારું છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. કાટાંની ટક્કરે યોજનાર દાહોદ જિલ્લામાં લોકસભાની ચૂંટણી દરમિયાન મતદારોને સમજાવવા માટે રાજકીય પાર્ટી દ્વારા સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દાહોદ તાલુકાના વડબારા ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની જનસભા યોજાઇ રહી હતી. આ જનસભા માટે મંડપ બનાવવામાં આવ્યો હતો. જનસભા સમયે વાતાવરણમાં એકાએક પલટો આવી જતા અને હવામાનમાં થયેલા ફેરફારને કારણે વાવાઝોડું ફૂંકાતા વડબારા ગામે બનાવેલ જનસભાનો સમિયાણો ઉડી જવા પામ્યો હતો. પરંતુ આ સભામંડપ ઉડીને તૂટી જવા છતાં પણ કોઈ જાનહાની કે નુકસાન નહી થતા ભાજપના કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો હતો.