દાહોદ: શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા જૂના વણકરવાસને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા ત્યાં રહેતા લોકોની સઘન આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યાં કોરોનાગ્રસ્ત કુરેશી પરિવારના સીધા સંપર્કમાં આવેલા ૫૧ લોકોને અત્યાર સુધીમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે.
કલેક્ટર વિજય ખરાડીએ કહ્યું હતું કે કુરેશી પરિવારના સીધા સંપર્કમાં આવેલા લોકો વહીવટી તંત્રનો સંપર્ક કરે તે જરૂરી છે. કોરોનાથી બિલ્કુલ ડરવાની જરૂર નથી. સમયસર સારવાર મળે તો ઝડપથી સાજા થઇ જવાની શક્યતા વધુ છે. આથી આ પરિવારના સંપર્કમાં આવેલા લોકો ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું કે, કુરેશી પરિવારમાંથી અન્ય લોકોમાં કોરોના ફેલાતો રોકવા માટે તેમના સંપર્કમાં આવેલા લોકોને ઝડપથી ઓળખી ક્વોરેન્ટાઇન કરવાની જરૂર છે.
આ પરિવાર સાથે સંપર્કમાં આવેલા લોકોની નૈતિક જવાબદારી બને છે કે, એ ઝડપથી પોલીસ અથવા આરોગ્ય તંત્રનો સંપર્ક કરી ક્વોરેન્ટાઇન થાય. જેથી નગરમાં અન્ય લોકોને આના ચેપથી સુરક્ષિત રાખી શકાશે. આ માટે દાહોદ શહેર પોલીસનો સંપર્ક કરવો અથવા ૧૦૮ કે ૧૦૭૭ નંબર પર ફોન કરીને સંપર્ક સાધવો.