દાહોદ : વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તે દાહોદમાં પણ મહિલાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરીને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે દાહોદ મહિલા PSI કે.આર.વ્યાસે પોતાના મહિલા પોલીસ સ્ટેશનમાં વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
આ તકે મહિલા પીએસઆઇએ જણાવ્યું હતું કે હાલના સમયમાં મહિલાઓ એ ખૂબ પ્રગતિ કરી છે અને દરેક ક્ષેત્રે મહિલાઓ હવે પુરુષ સમાન ઉભી રહે છે. તેમજ સરકારની યોજનાઓ જેવી કે બેટી બચાઓ બેટી પઢાઓથી છોકરીઓને બચાવી અને ભણાવીને પોતાની જાતે સક્ષમ થઈ સમાજમાં અડીખમ રીતે પોતાનું જીવન જીવી શકે તે માટે તૈયાર થઈ રહી છે. સ્ત્રી શશક્તિકરણથી સ્ત્રીની અબળા નારીની છાપ ભૂંસાવા લાગી છે જ્યારે વધુ ઉમેરતા તેેઓએ કહ્યું હતું કે દાહોદ જિલ્લો ટ્રાઇબલ જિલ્લો છે. અહીંના રીત રિવાજ અલગ છે અને તહેવારોની ઉજવણી અલગ છે. જેથી અહીં ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પરિવારમાં ઘણી વખત નાની નાની બાબતોમાં ઝગડા તકરાર થતી રહે છે. જેથી આજે અમે અહીં આવનાર ફરિયાદી મહિલાઓને સમજાવીને નિકાલ કરાવ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ આવી નાની બાબતે ઝધડા ન કરે તેવું સમજાવ્યું છે અને તે કરવામાં અમને સફળતા મળી છે. આ રીતે મહિલાઓએ ખૂબ સારી રીતે સમાજની પ્રેરક બની વિશ્વ મહિલા દિનની દાહોદ ખાતે ભવ્ય ઉજવણી કરી હતી.