દાહોદ શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતી સમીના બેન ડાભીઆલ અને તેની પુત્રી બન્ને વહેલી સવારે એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરા મુકામે દવાખાનામાં સારવાર લેવા માટે ગઈ હતી. જ્યાં સવારે કામકાજ પૂર્ણ કર્યા બાદ તેઓ પરત વડોદરા રેલ્વે સ્ટેશનથી દાહોદ આવવા માટે જમ્મુતાવી એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ લઈને ટ્રેનની રાહમાં ઊભા હતા.
તે સમય દરમિયાન પ્લેટફોર્મ પર રતલામ તરફ જતી હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસ 22655 આવીને ઉભી રહી હતી. જેથી સમીના બેન જમ્મુતાવી એક્સપ્રેસ ટ્રેન હોવાનું સમજીને ટ્રેનમાં દાહોદ આવવા માટે ચડી ગયા હતા. આ સુપરફાસ્ટ ટ્રેન દાહોદ સ્ટોપેજ નહીં હોવાના કારણે ધીમી ગતિએ રેલ્વે સ્ટેશન પસાર કરી રહી હતી.
ત્યારે સમીનાબેન સ્ટેશન પર ઉતરવા માટે ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર કૂદી પડયા હતા. જેના કારણે તેમના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. માતા કૂદી પડતા તેની પુત્રીએ બૂમાબૂમ કરી હતી પરંતુ આ ટ્રેન રતલામ તરફ રવાના થઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત સમીનાબેનને રેલવે પોલીસ દ્વારા સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા છે.