દાહોદ: જેકોટ ખાતે ટ્રેનમાં આગનો બનાવ બન્યો છે. દાહોદ - આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. એન્જિનમાં લાગેલી આગ આગળના બે કોચ સુધી પહોંચી હતી. ઘટનાની જાણ થતાં દાહોદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે. રેલ્વેના અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે. ટ્રેન દાહોદથી આણંદ જઈ રહી હતી. સદનસીબે ટ્રેનમાં સવાર મુસાફરોના જાનહાનિની કોઈ ઘટના સામે આવી નથી.
ફર્સ્ટ ક્લાસના બે કોચમાં આગ: દાહોદ જિલ્લાના જેકોટ રેલ્વે સ્ટેશન નજીક દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેન નંબર 09350 એન્જિનમાં અચાનક ટેકનિકલ કારણોસર આગ ફાટી નીકળતા ટ્રેનના પાછળ એન્જીન સાથે લાગેલા ફર્સ્ટ ક્લાસના કોચમાં આગ લાગી હતી. જે આગળના 2 કોચ સુધી પ્રસરી હતી. જોકે, કોચમાં ધુમાડો નીકળતા જેકોટ રેલવે સ્ટેશન ઉપર મુસાફરો સમય સુચકતા વાપરી ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. બનાવના પગલે દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પ્રભાવિત થયો હતો, જ્યારે બન્ને તરફનો રેલ વ્યવહાર અમુક કલાકો સુધી બંધ કરવામાં આવ્યો હતો.
મુસાફરોનો આબાદ બચાવ: ઘટનાની જાણ થતાં જ દાહોદ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો. જ્યારે ટ્રેનમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. ઘટનાના કારણે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે ટ્રેનમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થતાં રેલ્વે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
'મેમો ટ્રેનના એન્જિન પાછળના ડબ્બામાં આગ લાગતા ડ્રાઈવરે સમયસૂચકતાને કારણે ટ્રેન જેકોટ રેલ્વે સ્ટેશન પર ઉભી રાખી દેતા ડબ્બાના તમામ મુસાફરો સલામત રીતે સ્ટેશન પર ઉતરી ગયા હતા. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેને કારણે મોટી જાનહાની ટળી હતી.' - ખેમરાજ મીણા, પશ્ચિમ રેલવેના PRO
'દાહોદથી આણંદ જવાની ટ્રેનમાં આગ લાગવાની ઘટના થઈ છે. જેમાં કોઈ નુકસાન થયેલ નથી કે કોઈ પણ ઘાયલ થયા નથી. જ્યાં આગ લાગી હતી એ એન્જિનમાં જ રોકી દેવામાં આવ્યું છે.' - ASP દાહોદ કે સિદ્ધાર્થ
'જેકોટ રેલવે સ્ટેશન પાસે દાહોદ આણંદ મેમુ ટ્રેનમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી. એ સંદર્ભે આ સ્થળની વિઝીટ કરી છે. એફએસએલની ટીમને અહીં બોલાવવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ ચોક્કસ મુખ્ય આગ લાગવાનું કારણ શું છે એ અંગે તપાસ શરૂ કરી છે.' - આર.વી અંસારી, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગોધરા