દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નજીક જેતપુર ગામે ફરી એકવાર ગાંજાના છોડ ઝડપાયા છે. પોલીસે બુધવારે મોડી સાંજે બાતમી આધારે ગાંજાના લીલા વાવેતર કરેલા 56 છોડને પકડી પાડી ખેતર માલિકની અટકાયત કરી છે. પોલીસે આપેલી માહિતી અનુસાર કુલ 55.900 કિલોગ્રામ જેટલો મુદ્દામાલ જપ્ત કરીને એનડીપીએસ કાયદા મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
'દાહોદ જિલ્લા સ્પેશ્યિલ ઓપરેશન ગ્રૂપ દ્વારા નાર્કોટિક્સ સામે ઝુંબેશ ચાલી રહી છે એ ઝુંબેશ અંતર્ગત એસઓજી પી.આઈ ગામેતીને માહીતી પ્રાપ્ત થઇ કે ઝાલોદના જેતપુર ગામે એક ખેતરમાં ગાંજા નું વાવેતર હોઈ શકે બાતમીના આધારે તેમની ટીમ દ્વારા ટેકનિક એનાલિસિસ કરી સંપૂર્ણ તૈયારી કરી કાર્યવાહી કરતા આશરે 55 કિલો ગ્રામ ગાંજાના લીલા છોડ પ્રાપ્ત થયા છે. જેની કિંમત 5.59 લાખ થવા પામે છે. જેમાં આરોપી સાંમજીભાઈ ફટિયાભાઈ મછારની ધરપકડ કરવામાં આવી છે.' -રાજદીપસિંહ ઝાલા, ડીએસપી, દાહોદ
ગાંજાના છોડ પકડાયા: આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ SOG પી.આઇ.એસ.એમ. ગામેતીને બાતમી મળી હતી કે ઝાલોદ નજીક આવેલા જેતપુર ગામે મછાર ફળિયામાં રહેતા સામજીભાઈ ફતિયાભાઈ મછાર તેમના માલિકોના ખેતરમાં મકાઈના વાવેતર સાથે અને આડમાં ગાંજાનું વાવેતર કર્યુ છે. જે આધારે દાહોદ SOG એ પોતાની ટીમ સાથે જેતપુર ગામના આ ખેતરમાં રેડ પાડી તપાસ હાથ ધરી હતી. ખેતરમાં મકાઈ વાવેવ વાવેતરની વચ્ચે ગેરકાયદે રીતે ઉગાડેલા 56 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેતપુર ગામે સ્થળ પર એફએસએલને બોલાવીને તમામ છોડનું પરીક્ષણ કરાયું હતું જેમાં એફએસએલ પરીક્ષણ બાદ તમામ છોડ ગાંજાનું હોવાનું જાણવા મળેલ હતું.