દાહોદઃ તાલુકામાંથી પસાર થતા ઈન્દૌર હાઈવે રોડ પર આવેલા પુસરી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 5 પૈકી એક 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ હતી. જ્યારે અન્ય 4 જેટલા યુવકોને ગંભીર ઈજાઓ થતાં તેઓને 108 મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

દાહોદ શહેરના પુરબીયાવાડ તથા હનુમાન બજારમાં રહેતા નિરવ ઉર્ફે ઓમપ્રકાશ અગ્રવાલ, હેમરાજસિંહ નરેન્દ્રસિંહ રાઉલજી, અવધ ભગત, ઘનશ્યામ પટેલ અને અન્ય એક યુવક મળી કુલ 5 યુવકો મધ્યપ્રદેશથી દાહોદ ગાડીમાં સવાર થઈ આવી રહ્યા હતા. દાહોદ તાલુકાના ઈન્દૌર હાઈવે રોડ ખાતે પુસરી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી અને દૂર સુધી ગાડી ફંગોળાઈ હતી.

આ દરમિયાન અંદર સવાર નિરવ ઉર્ફે લખન ઓમપ્રકાશ અગ્રવાલને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય ઉપરોક્ત 4 યુવકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થળ પર ભારે ભીડ થઈ ગઈ હતી અને મૃતક યુવકના પરિવારજનોમાં આક્રંદનો માહોલ પણ જોવા મળ્યો હતો.