દાહોદ: જિલ્લામાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. જોકે આ દરમિયાન સમગ્ર પંથકમાં તારાજી પણ સર્જાઈ છે. પંથકમાં આશરે 108 ઘરોની દીવાલો તથા 105 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે વરસાદના કારણે થયેલ નુકશાન અંગે તાત્કાલિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. ખેડૂતોના ખેતીના પાકોના નુકશાન અંગે સર્વે કરી તંત્રને સબંધિત વિભાગને મોકલી આપવા અનુરોધ કરાયો હતો.
મકાન ધરાશાયી: દાહોદના ગરબાડા તાલુકામાં સર્વે હાથ ધરાયો હતો. જેમાં ધોધમાર વરસાદના કારણે તાલુકાના 31 ગામોમાં સર્વે અનુસાર 84 કાચા અને પાકા મકાનોને નુકસાન થયેલું જાણવા મળ્યું હતું. ફતેપુરા તાલુકામાં ખાતરપુરના મુવાડા નાના બોરીદા જ્યારે જ્વેસી ગામમાં અનેક કાચા મકાનો વરસાદને કારણે પડી ગયા હતા. વરસાદના કારણે અનેક જગ્યાઓ ઉપર વૃક્ષો તથા વીજપોલ ધરાશાયી થવાની વિગતો મળી આવી હતી.
'ખેડૂતોના ખેતીના પાકોના નુકશાન અંગે સર્વે કરી સંબંધિત વિભાગને મોકલી આપવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત જિલ્લામાં વીજ પુરવઠો રસ્તાઓ જલ્દીથી પૂર્વવત થાય તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો કર્યા હતા.' -કુબેરભાઈ ડીંડોર, કેબિનેટ મંત્રી
વરસાદનું રૌદ્ર સ્વરૂપ: છેલ્લા બે દિવસથી કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. સંજેલી તાલુકામાં પણ વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોખમી સાબિત થયું હતું. પંથકમાં અણીકા, મોલી, ઇટાડી અને અણિકા જેવા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે મકાન ધરાશાયી થવાની ઘટનાઓ ઘટી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સિંગવડ પંથકમાં મછેલાઈ અને ચુંદડી જેવા ગામોમાં કાચા મકાનની દિવાલ પડી ગઈ હતી.
'જ્યાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે ત્યાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક લોકો દ્વારા પડી ગયેલા વૃક્ષો હટાવી લેવામાં આવ્યા છે. બંધ થયેલા રસ્તા ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યાં જ્યાં વીજપોલ પડી ગયા છે ત્યાં MGVCL દ્વારા તાત્કાલિક ધોરણે પોલને ઉભા કરીને ગામોમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે. હજુ પણ વરસાદ માહોલ હોવાથી લોકોને નદી-નાળા કે વોકળાના કિનારે ન જવા વિનંતી કરી છે.' -હર્ષિત ગોસાવી, કલેક્ટર, દાહોદ
વીજપોલ ધરાશાયી: જિલ્લામાં મુખ્ય માર્ગો ભારે વરસાદથી પ્રભાવિત થયા હતા. અનેક રસ્તાઓ પર વૃક્ષો અને વીજ પોલ પડી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોકે આ મામલે તંત્ર એક્ટીવ મોડમાં જોવા મળ્યું હતું. સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર સ્થાનિક લોકોની સાથે મળીને માર્ગો ઉપર પડેલા વૃક્ષો હટાવી દીધા હતા અને રસ્તા પુનઃ ચાલુ કરવામાં આવ્યા હતા. દાહોદ પંથકમાં નાના મોટા શોટ સર્કિટ થવાને કારણે પંથકમાં અનેક જગ્યાએ વીજપોલ પડી ગયા છે.
ખરીફ પાકને મોટું નુકસાન: ભારે વરસાદને કારણે ખેડૂતોની પણ પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ દાહોદ પંથકમાં ખરીફ પાકનું મોટાપાયે વાવેતર થયું છે. ખેડૂતોના ખેતરોમાં મકાઈના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. પવન સાથે વરસાદ પડતા ઉભો પાક જમીનદોસ્ત થઇ ગયો છે અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં મકાઈના પાકમાં બહુ ઓછું ઉત્પાદન જોવા મળશે.