સેલવાસઃ સેલવાસની દમણગંગા નદીના પુલ પર મંગળવારે સાંજે 4:30 વાગ્યાના આસપાસ સોની પાટીલ નામની મહિલાએ નદીના પુલ પરથી દમણગંગા નદીમાં પડતુ મુક્યું હતું. તે સમયે પુલ પરથી પસાર થતા કેટલાક લોકોએ આ દ્રશ્ય જોયું હતું અને વીડિયો પણ બનાવ્યો હતો. જે બાદમાં વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયોમાં લોકો કોઈને તરતા આવડે છે કે નહીં એમ બોલતા સંભળાય રહ્યું છે. સાથે પોલીસને અને ફાયરને જાણ કરવા ફોન કરવાનું કહી રહ્યા છે. મહિલાએ પુલ પરથી તરવા માટે બૂમો પાડી જણાવતા સંભળાઈ રહ્યું છે.
પોલીસ તેમજ ફાયર વિભાગને ઘટનાની જાણ થતા તુરંત ઘટના સ્થળ પર આવી મહિલાની શોધખોળ આરંભી હતી. લગભગ 45 મિનિટમા સ્થાનીક લોકો તેમજ ફાયરના જવાનોએ મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
મૃતક સોની ગત બે દિવસથી પોતાની માતા-પિતાના ઘરે હતી. તેની માતાએ જણાવ્યું કે, સોનીનો પતિ સાથે ઝઘડો થયો હોય કે બીજું અન્ય કોઈ કારણ જણાવ્યું નથી. તેના લગ્ન 2014માં થયા હતા અને તેને બે બાળકો છે. લગ્નના 6 વર્ષ થયા છે. જો કે આ મામલાની વધુ તપાસ મામલતદારને સોંપવામા આવી છે.
ઉલ્લેખનીય છે કે, સેલવાસ દમણગંગા પુલ સ્યુસાઇડ પોઇન્ટ બની ચૂક્યો છે. અન્ય શહેરોની વચ્ચેથી પસાર થતી નદી નહેરો પર જાળી લગાવેલી હોય છે. ત્યારે મંગળવારની ઘટના બાદ અહીં પણ જાળી લગાવાય તો બીજા અનેક જીવ બચી શકે એવી લોકમાંગ ઉઠી છે.