- અથડાવા જેવી નજીવી બાબતમાં ખેલાયો ખૂની ખેલ
- રસ્તે જતા યુવકને અન્ય યુવકે મોતને ઘાટ ઉતાર્યો
- પોલીસે આરોપીની લુહારીના જંગલમાંથી કરી અટકાયત
સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના મસાટ ગામે ચાલીમાં રહેતા યુવકની રાત્રીએ અજાણ્યા ચુવતે ચાકુના ઘા મારી હત્યા કરી હતી. રવિવારે સેલવાસ પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી હતી. હત્યાનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમ કે, માર્ગ પર ચાલની જતાં હત્યારા સાથે મૃતક અથડાયો હતો. જેમાં બંને વચ્ચે ઝઘડો થતાં હત્યારાએ યુવકને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
નજીવી બાબતે ઉશ્કેરાયેલા આરોપીએ હત્યા નીપજાવી
સમગ્ર ઘટના અંગે પોલીસે વિગતો આપી હતી કે, સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના મસાટ ગામે રમેશભાઇની ચાલીમાં રહેતા અને આદિત્ય કંપનીમાં નોકરી કરતા રામપ્રતાપ દેવિદયાલ સીંગ કંપનીમાંથી છૂટી ઘરે જઇ રહ્યો હતો ત્યારે દારૂના નશામાં સામેથી ચાલીને આવતો નીરજકુમાર શિવમણિ શાહ બંને સામસામે અથડાયા હતા. નીરજ અને રામપ્રતાપ વચ્ચે ઝઘડો થતાં નીરજે ગુસ્સામાં આવી પોતાની પાસે રાખેલ ચાકુના રામપ્રતાપ પર અનેક ઘા કરી દીધા હતા.
મૃતક અને આરોપી બંને પરપ્રાંતીય
રામપ્રતાપ પર ચાકુના ઘા મારી નીરજ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત રામપ્રતાપને સારવાર અર્થે સેલવાસ સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ રામપ્રતાપનું મૃત્યું થયું હતું. આ અંગે સેલવાસ જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્વામીએ વિગતો આપી હતી કે, આરોપી નીરજ લુહારીના જંગલમાં છુપાયો હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસની ટીમે તેની ધરપકડ કરી હતી. તેમજ હત્યા કરવા માટે વપરાયેલ હથિયારને પણ પોલીસે કબ્જે કર્યું છે.
સંઘપ્રદેશની કંપનીમાં નોકરી કરતા હતા
પ્રાથમિક તપાસમાં આરોપી અને મૃતક બંને એકબીજાને ઓળખાતા નથી. અથડાવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા આરોપીએ રામપ્રતાપની હત્યા નીપજાવી હતી. આરોપી વિરુધ્ધ હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ મસાટ પોલીસે હાથ ધરી છે.