- ભાજપના ઉમેદવાર મહેશ ગાવીત માટે ચૂંટણી પ્રચાર કર્યો
- મોંઘવારી અંગે પ્રત્યુતર આપવાને બદલે ચાલતી પકડી
- સ્મૃતિ ઈરાનીએ મહિલા મોરચા સાથે સેલ્ફી ખેંચાવી
સેલવાસ : દાદરા નગર હવેલીમાં 30 મી ઓક્ટોબરે યોજાનાર પેટા ચૂંટણીનો પ્રચાર તેની ચરમસીમાએ પહોંચ્યો છે. સેલવાસમાં દમણગંગા વેલી રિસોર્ટ ખાતે ભાજપ મહિલા મોરચાને સંબોધન કરવા કેન્દ્રીય કેબિનેટ પ્રધાન સ્મૃતિ ઈરાની(Union Cabinet Minister Smriti Irani) આવ્યાં હતાં. સેલવાસમાં તેમણે મહિલા મોરચાની મહિલાઓને સંબોધન કરી દાદરા નગર હવેલીમાં 30 તારીખે યોજાનાર લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિતને જીત અપાવવા માટેનું આહ્વાન કર્યું હતું. સ્મૃતિ ઈરાનીએ કમળના ફુલને લક્ષ્મીજીના આશીર્વાદનું અને સ્વાસ્થ્ય-સંસ્કારનું પ્રતીક ગણાવ્યું હતું.
કમળનું નિશાન વિકાસનું, લક્ષ્મીજીના આશીર્વાદનું છે: સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીએ સૌથી પહેલાં ભારત માતાનો જ્યજયકાર કરાવતા જણાવ્યું હતું કે, જે પ્રેમથી જે જોશથી મા ભારતીનો જય જય કાર લગાવ્યો છે. જે વિશ્વાસથી મુઠ્ઠીને ઉંચી કરી છે તે દરેક કાર્યકર બહેને 30 તારીખ સુધીમાં દરેક ઘરે દરેક બુથ પર જઈને કમળના ફૂલ માટે આશિર્વાદ માગવા છે. આ કમળનું ફૂલ કોઈ વ્યક્તિ કે વ્યક્તિત્વ નથી. આ ફૂલ એક સંઘર્ષની પરિભાષા છે. ભાજપ કાર્યકરોથી છે માત્ર નેતાઓથી નથી. ઉમેદવારી ભલે મહેશ ગાવીતની હોય પણ આ ચૂંટણી દાદરા નગર હવેલીની કાર્યકર મહિલાઓની સ્વયંની છે. કાર્યકરોની, સંગઠનની, કમળના ફૂલની છે. આ કમળનું નિશાન વિકાસનું, લક્ષ્મીજીના આશીર્વાદનું, સમૃદ્ધિનું, સંપન્નતાનું, સ્વાસ્થ્યનું પરિવારના સંસ્કારનું છે.
સ્મૃતિ ઈરાનીએ મોંઘવારી અંગે પ્રત્યુતર આપવાને બદલે ચાલતી પકડી
સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીમાં વડાપ્રધાન મોદીએ ઉત્કૃષ્ટ કામગીરી કરી દેશના 100 કરોડ નાગરિકોને વેકસીન અપાવી છે તેમજ દેશના નાગરિકો પણ તેમની સાથે છે. જો કે સ્મૃતિ ઇરાનીને મિડીયા દ્વારા દેશમાં વધેલી મોંઘવારી અંગે પૂછતાં તેમને તેનો પ્રત્યુતર આપવાને બદલે ચાલતી પકડી હતી અને મહિલા મોરચા સાથે સેલ્ફી ખેંચાવા જતા રહ્યા હતા.
શિવસેનાના બેટ્સમેનના નિશાનને હપ્તા વસૂલીનું નિશાન ગણાવ્યું
સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું કે, સામેવાળાઓનું નિશાન કંઈક અલગ જ કહાની બતાવે છે. નીકળ્યા હતા ધનુષબાણ સાથે હાથમાં બેટ બોલ પકડાવી દીધું છે. આ નિશાનની પુષ્ટભુમિ ખૂનથી રંગાયેલી છે. ગુંડાગર્દીથી લેસ છે. ગરીબોને પોતાના પગ તળે કચડ્યો છે. પરિવારોને પ્રતાડીત કર્યા છે. આ નિશાન લઈને મત માંગવા નીકળ્યા છે. તેઓ એ પરિવારને જઈને પૂછે, આ નિશાન માર મારવો, હપ્તા વસુલી કરવાની યાદની નિશાની છે. જ્યારે તેની સામે કમળના ફૂલે શૌચાલય આપ્યું છે. મહિલાઓને સન્માન આપ્યું છે.
કોંગ્રેસના સમયમાં કોરોનાની રસી નેતાઓના ખિસ્સામાં જતી: સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં જો કોરોના આવ્યો હોત તો શું થાત ? નરેન્દ્ર મોદીએ મફતમાં આપ્યું, કોંગ્રેસના રાજમાં કોરોના આવ્યો હોત અને અનાજ વહેચ્યું હોત તો તે કેટલા લોકોમાં ઘર સુધી અને કેટલા નેતાઓ સુધી પહોંચ્યું હોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદોએ દસ મહિનામાં 100 કરોડ લોકોનું રસીકરણ કર્યું. કોંગ્રેસના સમયમાં તે ગરીબ સુધી પહોંચવાને બદલે નેતાઓના ખિસ્સામાં જતું રહ્યું હોત.
આ પણ વાંચો : drugs Case: અનન્યા પાંડે આજે ત્રીજી વખત NCB સમક્ષ પૂછપરછ માટે હાજર થશે
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ધામીને કર્યો ફોન, રાહત અને બચાવ કાર્ય વિશે લીધી માહિતી