સેલવાસ : સેલવાસની ખાનગી હોટેલના રુમમાં રોકાયેલ યુવક યુવતીના હત્યા-આપઘાત કરેલા મૃતદેહ મળી આવ્યા છે. હોટેલની રૂમમાં રોકાવા આવેલ યુવકનો લટકેલો જ્યારે યુવતીનો મૃતદેહ પલંગ પર હત્યા કરેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ યુવક મૂળ રાજસ્થાનનો વતની હતો. જ્યારે યુવતી સ્થાનિક દાદરા નગર હવેલીની જ વતની હતી.
ગત રાત્રે મળ્યાં મૃતદેહ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં આવેલ નટરાજ હોટેલમાં ગત રાત્રે યુવક યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે હોટેલના સંચાલકે સેલવાસ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહને PM માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
હોટેલમાં રોકાવા આવ્યા હતાં : આ ઘટનાના પગલે હોટેલના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હોટેલના રૂમમાંથી મળી આવેલ યુવક યુવતીના મૃતદેહ અંગે સેલવાસ પોલીસે પ્રાથમિક તપાસ આધારે જણાવ્યું હતું કે, 22 વર્ષીય શંકરલાલ ઉદયલાલ નામનો રાજસ્થાની યુવક સ્થાનિક 20 વર્ષીય કિતાબેન ધીરુભાઈ કુરકુટિયા સાથે નટરાજ હોટલમા રૂમ નંબર 119માં રોકાયા હતા. જે બાદ રાત્રીના સમયે સર્વિસ બોયે દરવાજો ખટખટાવ્યો તો અંદરથી કોઈ જ જવાબ ન મળતા સેલવાસ પોલીસ સ્ટેશનમા જાણ કરી હતી.
યુવતીની હત્યા બાદ યુવકે આત્મહત્યા કર્યાનું અનુમાન : પોલીસે હોટેલની રૂમનો દરવાજો ખોલી તપાસ કરતા યુવકનો મૃતદેહ લટકતો હતો. જ્યારે રૂમના પલંગ પર યુવતીનો મૃતદેહ પડ્યો હતો. યુવતીના ગળા પર દોરીના નિશાન હતાં. નજીકમાં એક દોરી પડેલી હતી. જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, યુવકે યુવતીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હશે. જો કે, હાલ સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ કરી રહી છે.
પતિ પત્ની હતાં કે પ્રેમી એ અંગે પોલીસે તપાસ હાથ ધરી : ઉલ્લેખનીય છે કે, નટરાજ હોટેલમાં એકસાથે 2 મૃતદેહો મળી આવતા સેલવાસ પોલીસ સ્ટેશનના SHO, HDPO અનિલ ટી.કે.અને પોલીસની ટીમ તેમજ SP આર.પી.મીના, ડીવાયએસપી એન.એલ.રોહિત સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. પ્રાથમિક તપાસમાં યુવાન મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું અને યુવતી સ્થાનિક હોવાનું જાણવા મળેલ છે. આ બન્ને પતિ પત્ની હતાં કે પછી પ્રેમી હતા એ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.