સંઘપ્રદેશઃ દમણમાં ગૃહ મંત્રાલયના આદેશ મુજબ મંગળવારથી સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવનાં પ્રશાસન દ્વારા કેટલીક શરતોને આધીન દુકાનો ખોલવાની પરવાનગી આપી છે. મંગળવારથી દમણમાં સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી આ દુકાનો ખુલી રહેશે. જેમાં વાઈન શોપ, બાર એન્ડ રેસ્ટોરેન્ટ, હોટલ, સલૂન જીમને પરવાનગી આપવામાં આવી નથી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવનાં હોમ સેક્રેટરીએ એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે, સંઘપ્રદેશ સેલવાસ અને દમણના નગરપાલિકા હદ વિસ્તારમાં એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ નોંધાયેલી દુકાનો હવે ખોલી શકાશે. આ દુકાનોમાં મોબાઇલ શોપ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રીકલ ગુડસ, પ્લાસ્ટિક, બેકરી, સ્ટેશનરી, બુટ પગરખાં જેવી દુકાનો ખુલ્લી રાખી શકાશે.
તમામ દુકાન સંચાલકોએ માત્ર 50 ટકા સ્ટાફ અને ફરજિયાત માસ્ક પહેરવાના રહેશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું અતિ આવશ્યક છે. જોકે વાઈન શોપ, બાર એન્ડ રેસ્ટોરેન્ટ, હોટલ, સલૂન, બ્યુટીપાર્લર, સ્પા અને જીમ બંધ રાખવામાં આવશે. રેડ ઝોનમાં આવેલી કોઇપણ દુકાનને ખોલવાની પરવાનગી આપવામાં આવી નથી.
નોંધનીય છે કે, શુક્રવારે રાત્રે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા લોકડાઉન હળવું કરવા અને નાના વેપારીઓને દુકાનો ખુલી રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. જે સંદર્ભે રવિવારથી જ સેલવાસ-દમણમાં સ્ટેશનરી અને ઇલેક્ટ્રિકની દુકાનો ખુલી ગઈ હતી. તેમ છતાં કેટલાક વેપારીઓને લઈને પ્રશાસને વિશેષ જાહેરનામું બહાર પાડ્યું હતું. જેથી હવે નાના વેપારીઓએ અન્ય કોઈ પરવાનગી લેવાની રહેશે નહીં. લોકડાઉનને લઈને લોકોને પડતી મુશ્કેલીમાં આ જાહેરનામાથી વેપારીઓને ખુબજ રાહત મળી છે. જેમાં કોરોના વાઇરસ સંબંધિત તમામ શરતોનું પાલન કરવું ફરજિયાત છે.