પ્રશાસનને કરેલી અરજીમાં જણાવ્યા અનુસાર ,વેલુગામ ધોધડપાડા ગામમા ગરીબ બિનશિક્ષિત આદિવાસીઓ રહે છે. જેઓ ખેતીવાડી અને પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં આવેલા મેસર્સ ટાઈમ ટેક્નોપ્લાસ્ટ લીમીટેડ અને અભીશ્રી પેકેજીંગ પ્રાઇવેટ લીમીટેડ કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કંપની નજીકની માલિકીની ખેતીવાળી જમીનમા પ્લાસ્ટીક તેમજ કેમીકલયુક્ત પાણી અને ઘનકચરો નાખવામાં આવે છે. જેના કારણે માનવ જીવન, પશુપક્ષીઓને નુકસાન થઇ રહ્યું છે. તેમજ ટાઈમ ટેક્નોપ્લાસ્ટ કંપની દ્વારા ગંદો કચરોના કારણે કારણે ખેતીને ભારે નુકસાન થઇ રહ્યું છે.
કંપની સંચાલકો દ્વારા કંપનીના એરિયામાં લગભગ 1200 ફૂટ ઊંડો બોરવેલ બનાવી એમાં પ્રાણઘાતક કેમીકલ છોડવામાં આવે છે. જેના કારણે આખા ગામના લોકોને તકલીફ થઇ રહી હોવાની ફરિયાદ ગ્રામજનોએ ફરિયાદ કરી છે. ગત વર્ષે કંપનીઓ ખુલ્લામાં કેમીકલ છોડ્યું હતું. જેના કારણે ઝરણાઓ અને ત્યાં બનાવવામાં આવેલા સરકારી તળાવમાં માછલીઓ મરી ગઈ હતી. સાથે ગામના ગાયો અને બળદોનું આ પાણી પીવાને કારણે મોત થયું હતું. જે અંગે ગ્રામજનોએ 11/01/18ના રોજ પંચાયત અને કંપની મેનેજમેન્ટને પણ ફરિયાદ કરી હતી. ત્યારે કંપની સંચાલકોએ જે કોઈના ઢોર મરી ગયા હતા તેમને સામાન્ય વળતર આપી મામલો રફેદફે કર્યો હતો.
જે તે સમયે કંપનીના મેનેજમેન્ટે લેખિતમાં બીજીવાર પ્રાણઘાતક કેમીકલ ખુલ્લામાં નહિ છોડવાની ખાતરી આપી હતી. તેમ છતાં 5 સપ્ટેમ્બરે મોડી રાત્રે કેમીકલવાળું પાણી માલિકીની જમીનમાં અચાનક છોડવાને કારણે પાકને નુકસાન થયું હતું. હાલ પણ ખેતરો કેમિકલયુક્તપાણીથી ખરડાયેલાં છે. જે સંદર્ભે કંપની સંચાલકો અને મેનેજરને પણ ફરીયાદ કરવામા આવી હતી. ત્યારે કંપની સંચાલકોએ ગ્રામજનોની મદદ કરવાને બદલે તેમને જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. તેમજ અધિકારીઓ અને તંત્ર તેમના ખિસ્સમાં હોવાનું જણાવ્યું હતું.
આ અંગે ગ્રામજનોએ જિલ્લા કલેકટર, આરડીસી, ઉપવન સંરક્ષક અધિકારી, મામલતદાર ખાનવેલ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દાનહ, ડીઆઈજી, એસપી,અને પ્રસાશક સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુઘી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જેથી ભ્રષ્ટ અધિકારીઓ કંપની પાસેથી પોતાનો આર્થિક લાભ સંતોષી કોઈ કાર્યવાહી ન કરતાં હોવાના આક્ષેપ કરી ગ્રામજનો રહ્યાં છે.
આમ, અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં રોષે ભરાયેલાં ગ્રામજનોએ વહેલામાં વહેલી તકે કંપની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. જો આ માંગણી નહીં સંતોષાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.