દૂધની-કૌંચા ટુરિસ્ટ પોઈન્ટનો કુદરતી નજારો માણવા દર વર્ષે ચોમાસા બાદ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સેલવાસથી ખાનવેલ તરફ આવેલ આ ટુરિસ્ટ પોઈન્ટ સુધી પહોંચવા માટે 15 કિલોમીટરના અંતરને પાર કરી ઝીગઝેગ રોડ, ઊંચા પહાડો પર શોભતા સાગના લીલાછમ ઊંચા વૃક્ષો, બેઠા ઘાટના કાચા-પાકા આદિવાસી મકાનો, ડાંગરથી લહેરાતા ખેતરો, ખળખળ વહેતા પાણીના ઝરણાંનો અદભુત નજારો માણતા પ્રવાસીઓ અહીં પહોંચે છે.
આ સ્થળ પર અફાટ વહેતી મધુબન ડેમના કાંઠે શિકારા બોટમાં બોટિંગની મજા માણવાનો અનુભવ જ કંઈક અલગ છે. પ્રશાસન અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા દુધનીમાં 164 શિકારા બોટને લાયસન્સ આપવામાં આવ્યું છે. જેથી અહીંના લોકો સીઝનમાં બોટ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલમાં પ્રવાસીઓની સિઝન શરૂ થતાં વીકેન્ડમાં ખૂબ સારા પ્રમાણમાં પ્રવાસીઓ અહીં આવે છે.
દૂધની-કૌંચા પ્રવાસીઓ માટે હોટ ડેસ્ટિનેશન છે, મધુબન ડેમના પ્રવાહમાં મહત્વના ટુરિસ્ટ પોઇન્ટ સિવાય અન્ય બે સ્થળો વાઘચૌડા-કોઠાર અને ઉમરવરણી ગામના કેટલાક ધનવાન લોકોએ બોટીંગની સેવા શરૂ કરી છે. જેથી આગામી દિવસોમાં પ્રવાસીઓ અહીંનો ઘાટવાળો સર્પાકાર રસ્તો ચઢીને આવવાનું પસંદ નહીં કરે જેથી સ્થાનિકોને રોજગારી છીનવાઈ જવાનો ભય છે.
દિવાળીમાં દૂધની ખાતે રોજના 2 હજારથી વધુ સહેલાણીઓ અહીંનો આહલાદક નજારો માળવા માટે આવે છે. આ પ્રવાસીઓ ખાનવેલમાં આવેલ રંગબેરંગી પતંગિયાના ઘર સમાન બટરફલાય પાર્ક, નેચરલ પાર્કની પણ મુલાકાતે લે છે. ત્યારે આ અનોખા પ્રવાસન સ્થળને બારેમાસ ધમધમતું રાખવા પ્રવાસન વિભાગ અને પ્રશાસન વિકાસના એજન્ડામાં સામેલ કરે તો જ અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળશે અને પ્રવાસીઓના કલશોરમાં આખું વર્ષ ગુંજતું રહેશે.