- દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના વચ્ચે કાંટાની ટક્કર
- મરાઠી મતદારોને રીઝવવા ભાજપે મરાઠી સંમેલનનું આયોજન કર્યું
- 30મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણી યોજાશે
સેલવાસ : સેલવાસમાં ભાજપે ગઇકાલે શનિવારે મરાઠી સંમેલનનું આયોજન કર્યું હતું. સંમેલનમાં સી.આર. પાટીલ (C.R. Patil) તેમજ મરાઠી નેતાઓએ મતદારોને રિઝવવા માટે મરાઠી ભાષામાં સંબોધન કર્યું હતું. ભાજપ આ લોકસભાની પેટા ચૂંટણીમાં વિજય મેળવશે તો સેલવાસનાં શિવાજી ચોકમાં શિવાજીની પ્રતિમાનું અનાવરણ કરશે તેવું વચન પાટીલે આપ્યું છે. આગામી 30મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણી (By-election) યોજાવાની છે. આ પેટા ચૂંટણીમાં ભાજપ સામે શિવસેના તરફથી કલાબેન ડેલકર ઉમેદવારી નોંધાવી છે.
શિવાજી એ વિકાસના અનેક કાર્યો કર્યા - પાટીલ
સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, દેશ અને દુનિયાને ગેરીલા યુદ્ધ પદ્ધતિ શિવાજી એ આપી છે. મુંબઈના દરિયામાં જ્યારે ચાંચિયાઓ વેપારીઓના વહાણનો માલ લૂંટતા હતા ત્યારે નૌકાદળની સ્થાપના કરી વેપારીઓને રક્ષણ આપ્યું હતું. તેમજ મહિલાઓનું સન્માન કેવી રીતે કરવું તે માટે સ્ત્રી-સશક્તિકરણના પ્રયાસો કર્યા હતા. પ્રદેશના ગરીબ લોકોને ખેતી કરતા શીખવાડ્યું તેમજ પાણીની યોજનાઓ અમલમાં મૂકી હતી. શિવાજી એ વિકાસના અનેક કાર્યો કર્યા હતાં. તેવીજ રીતે દેશમાં હાલ મોદી સરકાર પણ અનેક વિકાસના કાર્યો કરી રહી છે. જેમાં મરાઠી સમાજે પણ ભાજપના ઉમેદવારને મત આપીને સહકાર આપવો જોઈએ.
પાટીલ સહિતના નેતાઓનું સન્માન કરાયું
મરાઠી સંમેલનમાં પાટીલ, અશ્વિની વૈષ્ણવ, લોકસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર મહેશ ગાંવિત સહિતના નેતાઓએ શિવાજી મહારાજની પ્રતિમાને નમન કરી શિવાજી મહારાજનો જયજયકાર કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મરાઠી સમાજના આગેવાનોએ પાટીલ સહિતના નેતાઓનું સન્માન પણ કર્યું હતું.
આ પણ વાંચો : દાદરા નગર હવેલીમાં 18 એકરમાં 50 કરોડના ખર્ચે નિર્માણ થનારી નેતાજી સુભાષચંદ્ર બોઝ લશ્કરી એકેડેમીનો અપાયો વર્ક ઓર્ડર
આ પણ વાંચો : સેલવાસના દાદરામાં વેક્સિન લીધા બાદ યુવતીના શરીરમાં ચુંબકીય પ્રક્રિયા જોવા મળી