સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવ આંકડો સતત વધી રહ્યો છે અને વલસાડ જિલ્લાને ઓવરટેક કરી રહ્યો છે. એક તરફ શુક્રવારે વલસાડમાં નવા 4 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. દમણમાં 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તો દાદરા નગર હવેલીમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. સતત વધી રહેલા કોરોના દર્દીઓની સંખ્યાને કારણે આ વિસ્તારમાં કુલ 22 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
ગુરુવારે એક સાથે 11 કોરોના પોઝિટિવ બાદ શુક્રવારે વધુ 8 કોરોના પોઝિટિવ કેસ સાથે દાદરા નગર હવેલીમાં કોરોનાના 48 કેસ એક્ટિવ કેસ છે. જ્યારે 38 કેસ રિકવર થયા છે. શુક્રવારે નોંધાયેલ કેસમાં આમલી સેલવાસ વિસ્તાર સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં 1થી 10 વર્ષનો બાળક, 10થી 20 વર્ષની બાળકી, 20થી 60 વર્ષની ઉંમરની 4 મહિલાઓ અને અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં સતત કોરોના પોઝિટિવ કેસના આંકડા વધી રહ્યા છે. પ્રશાસન અને આરોગ્ય વિભાગ તમામ વિસ્તારમાં કોરોનાના રોકથામ માટે પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ વધતા જતા કોરોના પોઝિટિવના દર્દીઓને કારણે લોકોમાં ભયનો માહોલ છે.