- પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા કરી અનોખી પહેલ
- નકામી પ્લાસ્ટિકની બોટલોનો કૂંડા તરીકે ઉપયોગ
છોટાઉદેપુર: નિર્મન સોસાયટીમાં રહેતા મુકેશભાઈ અજમેરાના પત્ની સપનાબેન અજમેરાએ પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા પોતાના તરફથી એક નાનકડું યોગદાન આપ્યું છે. તેમણે પોતાના ઘરની જૂની પ્લાસ્ટિકની વિવિધ ચીજવસ્તુઓ ફેંકી દેવાને બદલે કંઈક કામમાં લેવાનો વિચાર કર્યો અને તેને વેસ્ટમાંથી બેસ્ટનું સ્વરૂપ આપી પોતાના ઘર આંગણે ગાર્ડન બનાવ્યું છે.
વડા પ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન પરથી પ્રેરણા લીધી
પ્લાસ્ટિકની બોટલો, ફિલ્ટર, પાણીના કેન, ખાલી પ્લાસ્ટિકના તેલના ડબ્બા જેવી નકામી ગણાતી ચીજવસ્તુઓને વિવિધ આકાર આપી તેને રંગોથી સજાવી સપનાબેને સુંદર ગાર્ડન સજાવ્યું છે. સપનાબેન જણાવે છે કે, તેમને આ પ્રેરણા વડાપ્રધાનના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન પરથી મળી હતી. પ્રદૂષણને અટકાવવાના તેમના આ અનોખા પ્રયાસને છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર અને નગરજનોએ પણ બિરદાવી છે.