- આચાર્યએ કેમેરા સામે સ્વીકાર્યું, "હા હુ પીને આવ્યો છું"
- શિક્ષક દિલીપ પરસોત્તમ પરમાર નીકળ્યો ગુલ્લેબાજ
- આ ઘટના સામે આવતા જ શિક્ષણ વિભાગ પર ઉઠ્યા સવાલ
છોટા ઉદેપુર : પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલા કેવડા ગામમાં ૧ થી ૫ ધોરણની ચાલતી પ્રાથમિક શાળામાં આચાર્ય દેવેન્દ્ર પૂજા માંછીએ શિક્ષણને કલંકિત કરતું કૃત્ય કર્યું છે. તે શાળામાં જ દારૂનાં નશામાં ચકનાચૂર થઇ ખુરશીમાં બેઠો બેઠો ડંફાસો મારતો હતો અને બીજો ગુલ્લેબાજ શિક્ષક દિલીપ પરસોત્તમ પરમાર કોઇ પણ પ્રકારના રજા રિપોર્ટ વગર જ ગુલ્લી મારી મનફાવે તેમ પોતાનાં ઘર કામકાજ પતાવી બપોરના 12:30 વાગ્યે શાળામાં હાજર થયો હતો. તેઓને ગામના એક જાગૃત વ્યક્તિ દ્વારા શાળામાં મોળા આવવાનું કારણ પુછવામાં આવ્યું તો તેઓએ કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો ન હતો.
ગ્રામજનો દ્વારા શિક્ષકોની બદલીના પ્રયાસો
કેવડા ગામનાં લોકો પાસેથી મળી આવતી માહિતી પ્રમાણે, ગ્રામજનોએ પણ આ શિક્ષકોથી કંટાળી અન્ય જગ્યાએ બદલી કરાવવા માટે પ્રયાસ કર્યા હતા, જેનું મુખ્ય કારણ એજ કે ચાલુ શાળામાં દારૂ પીને આવે, જેની ખરાબ અસર બાળકોનાં શિક્ષણ પર પડે છે, આ ઉપરાંત ઘણી વખત તો શાળામાં સમયસર ફરજ બજાવતો નહતો, જેને લઇને ગામ લોકો પણ આચાર્ય દેવેન્દ્ર પૂજા માંછીથી કંટાળી તેમની બદલી કરાવવા માંગ કરી રહ્યા હતા.
શિક્ષણ વિભાગના આવી ઘટના બાબતે આંખઆડા કાન
છોટાઉદેપુર જિલ્લાની અનેક શાળાઓમાં શિક્ષકો બાળકોના શિક્ષણ પર ચેડાં કરી રહ્યા હોવાની ઘટનાઓ બનતી હોય છે, આ સાથે ઘણી વખત તો શાળાઓમાં શિક્ષકો દારૂની મહેફિલ કરી નશાની હાલતમાં પાર્ટીઓ કરતા ઝડપાયા છે, પરંતુ શિક્ષણ વિભાગ પણ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરી શકતું નથી, જેનાં કારણે શિક્ષકોને જાણે છુટો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. આ કેવડા પ્રાથમિક શાળાનાં દારૂડિયા આચાર્ય દેવેન્દ્ર પૂજા માંછી ગુલ્લેબાજ શિક્ષક દિલીપ પરસોત્તમ પરમાર સામે ઉચ્ચ કક્ષાએ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં ? તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: