રાજયમાં BTP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સ્થિતિ સાફ થઈ નથી અને BTP દ્વારા રાજ્યમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતી ૮ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારશે તેવી સંભાવનાઓ વચ્ચે બે દિવસ પૂર્વે જ છોટાઉદેપુર બેઠકના BTP ના ઉમેદવાર તરીકે નરેન્દ્ર રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ બીજા જ દિવસે BTPના આ ઉમેદવાર નરેન્દ્ર રાઠવાની છોટાઉદેપુર પોલીસે પાસા હેઠળ અટકાયત કરી હતી.
પોતાની ઉમેદવારીની તૈયારીના ભાગરૂપે સોગંદનામું કરવા છોટાઉદેપુર કોર્ટમાં ગયેલા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. જેને લઇ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો. BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અને તેમની પાર્ટીના ઉમેદવાર અને આદિવાસી સમાજ માટે આંદોલન કરનાર એવા નરેન્દ્ર રાઠવાને છોડવામાં આવે તેવી માંગ કરી હતી. આ સાથે જો તેમને છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કલેકટરને આવેદન પાઠવી અને આંદોલનનો માર્ગ આપનાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.