છોટાઉદેપુરઃ છોટાઉદેપુરના પીઠોરા કલાકાર પરેશ રાઠવાને કલા (પેઈન્ટિંગ) માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. તેઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન તાલીમ આપીને વર્ષો જૂની પરંપરા વિશે જાગૃતિ લાવે છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની અને પીઠોરાના લખારા પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ માટેની પસંદગી પામતાં સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો હતો. 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ એવોર્ડની 106 જેટલા સામાજિક કાર્યકર્તા, આર્ટિસ્ટની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના ત્રણ જેટલાં સામાજિક કાર્યકર અને આર્ટિસ્ટોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં, 75 નંબર પર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામનાં વતની અને પીઠોરાનાં લખારાં પરેશ રાઠવાની પદ્મશ્રી એવોર્ડ મેળવવાના હકદાર બન્યાં છે.
12 હજાર વર્ષ જૂની લિપિ : પીઠોરાનાં લખારા પરેશ રાઠવાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે પીઠોરાંના ચિત્રો એ 12 હજાર વર્ષ જૂની લિપિ છે. તેજગઢ પાસે આવેલા કોરાજ ગામનાં ડુંગરની એક ગુફામાં 12 હજાર વર્ષ પૂર્વે પથ્થરથી પીઠોરાનાં ચિત્રો કોતરેલા જોવા મળે છે, આદિવાસીઓ હજારો વર્ષ પૂર્વે આવા ચિત્રો દોરીને સાંકેતિક ભાષા તરીકે ઉપયોગ કરતાં હોવાનું માનવામાં આવે છે, જે બાદ ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને તંદુરસ્તી જળવાય રહે તે માટે પીઠોરાનાં ચિત્રોને ઘરની ઓસરીમાં લખારા પાસે લખાવીને બાબા પીઠોરા દેવની પૂજા વિધિ કરવાની એક પરંપરા રહી છે.
આ પણ વાંચો Padma Awards 2023: કુલ 106 હસ્તીઓને પદ્મ એવોર્ડને સન્માનિત કરાશે, 10 ગુજરાતી
30 વર્ષથી ઘરની ઓસરીમાં લખે છે પીઠોરા : બદલાતા સમયમાં આ પરંપરા ધીમે ધીમે લુપ્ત થઇ રહી હતી, પરંતુ પીઠોરાના લખારા પરેશ રાઠવા છેલ્લાં 30 વર્ષથી આદિવાસીની ઘરની ઓસરીમાં બાબા પીઠોરાનાં ચિત્રો લખવાનું કામ કરતાં હતાં. એ બાદ તેઓ કેનવાસ પર પીઠોરાનાં ચિત્રો લખીને તેનું એકઝાબીનેશન કરતાં હતાં. તેઓના પીઠોરા પેઇન્ટિંગ ઇંગ્લેન્ડ, જર્મની જેવા દેશોનાં મ્યુઝિયમમાં પણ સ્થાન મળતાં હતાં. તેઓના હાથે લખાયેલાં પીઠોરા ચિત્રો વિશ્વ વિખ્યાત બન્યા હતાં.
પ્રાચીન સમયની લિપિ હોવાની માન્યતા : પરેશ રાઠવાનું કહેવું છે કે પીઠોરા ચિત્રો દોરવામાં નહીં આવતાં પરંતુ લખવામાં આવે છે. જાણકાર વ્યક્તિઓ પીઠોરાના ચિત્રોને જોતાં નહીં પણ વાંચે છે. પીઠોરાનાં ચિત્રો એક પ્રાચીન સમયની લિપિ હોવાની માન્યતાને લઇને પીઠોરાનાં ચિત્રો દોરનારને લખારા કહેવામાં આવે છે. પ્રકૃતિપૂજક આદિવાસીઓનેે પ્રકૃતિને પૂજતાં હોય છે,અને આ પીઠોરાના ચિત્રોમાં પ્રકૃતિના મુખ્ય તત્વો, તેમજ આદિવાસીઓનું જીવન કવનનું વર્ણન પણ જોવા મળે છે. જેમાં મુખ્ય પાંચ ઘોડા હોય છે તે ઘોડાના નામ આપવામાં આવતાં હોય છે.
પીઠોરાના પાંનગાનાં ઉત્સવો : છોટા ઉદેપુર જિલ્લામાં વસતાં આદિવાસીઓ અને ખાસ કરીને રાઠવા જાતિનાં લોકોના બાબા પીઠોરા એ ઇષ્ટ દેવ છે. વર્ષોથી જે આદિવાસી લોકોએ ઘરની ઓસરીમાં બાબા પીઠોરાની સ્થાપના કરી હોય એ લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરીને પણ આ પરંપરા મુજબ પીઠોરાનાં પાંનગાનાં ઉત્સવો ઉજવી રહ્યાં છે.પીઠોરા પેઇન્ટિંગએ 12000 વર્ષ જૂની કળા માનવામાં આવે છે જે આદિવાસી સમાજના ઇષ્ટદેવ પીઠોરા પરથી આ ચિત્રનું નામ પાડવામાં આવ્યું છે. આદિવાસી લોકો પોતાના ઘરની દિવાલ પર આ ચિત્ર દોરે છે. અને પોતાના સમાજમાં પશુ સ્વસ્થ રહે, જમીનમાં સારો પાક ઉગે તે માટે બાધા રાખીને આ ચિત્ર દોરે છે. બાધા પૂર્ણ થતા ત્રણથી ચાર દિવસ સુધી લોકો ઉત્સવની જેમ મનાવે છે.
સરકારી ઈમારતોમાં પીઠોરાના ચિત્રો : છોટા ઉદેપુર જિલ્લામાં વસતાં આદિવાસીઓ મોટાભાગના લોકોના ઘરોની ઓસરીમાં પીઠોરા પડાવેલા હોય છે. જેથી નવરચિત છોટા ઉદેપુર જિલ્લાની ઓળખ પણ પીઠોરાથી થાય છે. જિલ્લાની દરેક સરકારી ઈમારતોમાં પણ પરેશ રાઠવાના હસ્તે પીઠોરાના ચિત્રો દોરવામાં આવ્યા છે. ત્યારે દેશવિદેશમાં અને હજારો વર્ષ જૂની લિપિ સમાન પીઠોરાનાં ચિત્રો અન્ય યુવકો પણ શીખી શકે માંટે પરેશ રાઠવા કલાસ શરૂ કરીને શીખવી રહ્યાં છે. તેમજ તેમનાં પુત્રને પણ પીઠોરાના ચિત્રો શીખવાડીને આ પરંપરાને જીવંત રાખવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશવિદેશમાં પણ પરેશ રાઠવાના પીઠોરાના ચિત્રો વિખ્યાત બનતાં કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. પરેશ રાઠવાની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતાં સમગ્ર છોટા ઉદેપુર જિલ્લામાં ખુશીની લહેર પ્રસરી છે.