છોટા ઉદેપુર: આદિવાસી સમાજમાં અનોખો રિવાજ (tribal society of Chhota Udepur) " નિઃસંતાન દંપતિ બાળક અવતરે તેની દેવ સમક્ષ " વિંઝાટીયા" ઇન્દની બાધા રાખે છે. બાળક અવતરે તો ઇન્દમાં અડદ અને ઘઉંના લોટમાંથી "વીંઝાતાં વિંઝાતી" દીકરા કે દીકરીની આકૃતિ ઘડિને પૂજા વિધી કરવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં એટલે કે પોષ મહીનાની કડકડતી ઠંડીની શરૂઆતમાં છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ગામે ગામ વર્ષો જૂની પરંપરા મુજબ ગામ સાંઈ ઇન્દની શરૂઆત થતી હોય છે.
ગામ સાંઈ ઇન્દની વિધી
નિઃસંતાન દંપતિ સંતાન પ્રાપ્તિ માટે બાધા લીધી હોય એને સંતાન પ્રાપ્તિ થાય તો ગામ સાંઈ ઇન્દની વિધીમાં અડદ ઘઉંના લોટમાંથી ઘડવામાં આવેલી આકૃતિને દીકરા કે દીકરી માનીને વિધી કરવામાં આવે છે, જેને વિઝાંટીયો ઇન્દ તરીકે ઓળખવામાં આવે છે.
જાણો વિઝાંટિયા ઇન્દ
ગામ સાંઈ ઇન્દ એટલે કે ગામની અને પ્રકૃતિનાં તમામ જીવોની સુખાકારી માટે ગામનો આખો સમૂહ ભેગો મળી ગામ સાંઈ ઇન્દ ઉજવવા બળવાને બોલાવી તારીખ નક્કી કરી ખર્ચનું એસ્ટીમેન્ટ કાઢીને ગામના પ્રત્યેક કુટુંબને સરખે હિસ્સે ભાગીદારી નોંધાવે છે. કોઈ ગામમાં કરુડીયો ઇન્દ હોય તો લાકડામાંથી બનાવવામાં આવેલા હળની પૂજા વિધી કરવામાં આવતી હોય છે. તો કોઈ ગામમાં જુવારિયો ઇન્દ હોય તો જવારા વાવીને પૂજા વિધી કરવામાં આવતી હોય છે. તો કોઈ ગામમાં તો કોઈ ગામમાં નિઃસંતાન દંપતિ વિઝાંતાની બાધા લીધી હોય અને સંતાનપ્રાપ્તિ થઈ હોય તો વિઝાંટિયા ઇન્દ ઉજવવામાં આવતી હોય છે.
આઠ દિવસ ગામના લોકો માત્ર બાફેલું જમે છે
કવાંટ તાલુકાના ધનિવાડી ગામમાં વિઝાંટીયા ઇન્દનું આયોજન કરવામાં આવતાં ઇન્દ માંડવાનાં આઠ દિવસ પુર્વે જવારા વાવીને આઠે આઠ દિવસ આખા ગામના લોકો માત્ર બાફેલું જમે છે અને પથારી પણ નીચે પાથરીને સુવે છે. ઇન્દ માંડવાના દિવસે સાંજે ગામના લોકો ઢોલ માંદલ સાથે નાચગાન કરીને કદમ ઝાડની પૂજા વિધી કરી 11 ડાળખી કાપીને અધ્ધર ઝીલવી લેતાં હોય છે (ડાળખીને જમીન પર પડવા દેવામાં આવતી નથી)
વીઝાંતાનું વિસર્જન કર્યા બાદ આખા ગામના લોકો સમૂહમાં ભોજન જમે છે
કદમની ડાળ સાથે જુવારનાં છોડને નાચગાન સાથે ગામના દેવ સ્થાને લાવી ડાળખી ઓને પાંચવાર નાચતાં નાચતાં ફેરવીને વધાવીને ડાંગરની પૂંજ મૂકીને વિધિવત રીતે રોપીને પાટલા દેવ, જવારા અને "વિઝાંતો વીઝાંતી"ને સ્થાપિત કરી આખી રાત ભારે નાચગાન કરી સવારે ગામની સીમમાં જ્યાં નદી કોતર હોય ત્યાં નાચગાન સાથે ડાળખી અને વીઝાંતાનું વિસર્જન કર્યા બાદ આખા ગામના લોકો સમૂહમાં ભોજન જમી 10 દિવસે ગામ સાંઈ ઇન્દની પૂજા વિધી પૂર્ણ કરે છે.
વિઝાંટીયા ઇન્દની ઉજવણી
ધનીવાડી ગામે વિશિષ્ટ પ્રકારના "વિઝાંટિયા" દેવની ઊજવણી કરવાનાં હેતુ વિશે ગામ લોકોને પૂછતા ગામ લોકોએ જણાવ્યું હતું કે, ગામમાં કોઈ દંપતીને સંતાન પ્રાપ્તિ થતી ન હોય તો તેઓ સંતાન પ્રાપ્તિ માટે ઇન્દમાં વીઝાતાં પૂંજવાની બાધા રાખી હોય તે દંપતિને સંતાનમાં દીકરી અવતરે કે દીકરો અવતરે તે સ્વીકાર્ય ગણીને વિઝાંતો એટલે દીકરો અને વિઝાંતી એટલે દીકરી કુદરત જે આપે તેનો સ્વીકાર ગણીને વિંઝાતા બનાવનાર જાણકારો પાસે અડદ અને ઘઉંના લોટમાં સ્રી અને પુરૂષની આકૃતિ ઘડવામાં આવે છે. તેને શણગાર સજાવીને ગુપ્ત જગ્યાએ ઘડવામાં આવે છે, પૂજા વિધીની જગ્યાએ લાવવામાં આવે ત્યાં સુધી કોઈને જોવા દેવામાં આવતાં નથી. આ માન્યતા મુજબ વિઝાંટીયાં ઇન્દની ઉજવણી થતી હોય છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ગામસાંઈ ઇન્દની ઉજવણી ગામે ગામ થાય છે
આદિવાસીઓમાં માન્યતા છે કે ઇન્દ એટલે વરસાદનાં દેવની પૂજા વિધી કરવાથી સારો વરસાદ વરસે અને પ્રકૃતિનાં તમામ જીવો સાજા માજા રહે ખેત ખલિયાંણમાં સારો પાક ઉતરે તે માટે છોટા ઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગામસાંઈ ઇન્દની ઉજવણી ગામે ગામ કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો: Poshi Poonam 2022: ગિરનાર પર્વત પર બિરાજતા માઁ અંબાનો પોષી પૂનમના દિવસે ઉજવાય છે પ્રાગટ્ય દિવસ
આ પણ વાંચો: Birju Maharaj Passes Away: કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ