છોટાઉદેપુર: સરકારના છેવાડાના માનવી સુધી વિકાસની મોટી મોટી વાતો પોકળ જોવા મળે છે. નેતાઓ જ્યારે ચૂંટણીઓ હોય ત્યારે વોટ લેવા માટે આવે છે. પરંતુ ચૂંટાઈ ગયા પછી નેતાઓ આ ગામ બાજુ ડોકિયું પણ કરતા નથી. ત્યારે ગામ લોકો ભેગા મળીને તંત્રના બહેરા કાને અવાજ પહોંચે તેથી ઢોલ વગાડી વિરોધ કરી રહ્યા છે. નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલા તેતરકુંડી ગામમાં બુનિયાદી સુવિધાઓથી ગ્રામજનો વંચિત છે. આ ગામમાં જવા માટે નથી કોઈ પાકો રસ્તો કે નથી ગામમાં વીજળી કે નથી શાળાનું બિલ્ડિંગ. પ્રાથમિક શાળા તો ચાલુ છે પરંતુ શાળાનું બિલ્ડિંગ જ નથી.
નસવાડી તાલુકાના છેવાડે અને ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ તલાવ ગામના તેતરકુંડી ફળિયામાં આઝાદીના વર્ષો પછી પણ બુનિયાદી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ગામમાં જવા માટે કોઈ પાકો રસ્તો આજ દિન સુધી બનાવવામાં આવ્યો જ નથી. ગામના લોકોને મુખ્ય રસ્તા સુધી 6 કિમી પગદંડી રસ્તા પર થઈને જવું પડે છે અને આ ગામમાં જવા માટે 6 કિમી કાચો અને પથરાળ રસ્તો છે. આ રસ્તા પરથી ગામ સુધી પહોંચાય છે.
આ તેતરકુંડી ગામની આજુબાજુમાં મોટા મોટા ડુંગરો આવેલા છે. જ્યારે ચોમાસાનો સમય હોય ત્યારે ગામ લોકોને કોતરોમાં પાણી આવી જાય ત્યારે ગામ લોકોને બજારમાં કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદી કરવા જવું હોય ત્યારે જઈ શકાતું નથી. કારણ કે ત્યાં કોતરોમાં પાણીનાં પ્રવાહમાં તણાઈ જવાની શક્યતાઓ રહેલી હોય છે. જ્યારે કોતરોમાં પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યારે ગામ લોકો મુખ્ય રસ્તા સુધી પહોંચે છે અને તાલુકા મથકે પહોંચે છે.
આ ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે. જ્યાં 13 જેટલા બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. આ ગામમાં શાળા તો છે પરંતુ શાળાનું બિલ્ડિંગ બન્યું નથી. જો આ શાળા ચાલુ કરવાની મંજૂરી મળી તો બિલ્ડિંગ વગર કંઈ રીતે મંજૂરી મળી એ એક મોટો પ્રશ્ન છે. આ શાળામાં એક મહિલા શિક્ષિકા અભ્યાસ કરાવવા આવે છે. આ મહિલા શિક્ષિકા 6 કી.મી.રસ્તો કાચો હોવાથી મુખ્ય રસ્તાથી મહિલા શિક્ષિકા બાળકોનું અભ્યાસ ન બગડે તેના માટે કાચા રસ્તે પગપાળા જઈને અભ્યાસ કરાવે છે. આ મહિલા શિક્ષિકાને આવવા જવા માટે 12 કી.મી પગપાળા ચાલતું જવું પડે છે. કારણ કે ત્યાં બાઇક પણ જાય તેવી પરિસ્થિતિ નથી અને દુર્ગમ અને જંગલ વિસ્તારમાંથી પસાર થઈને જવું પડે છે. સરકાર વહેલી તકે આ ગામને રસ્તો વીજળી અને શાળાનું પાકું બિલ્ડિંગ બનાવે તેવી માંગ કરી રહ્યા છે.
હું તેતરકુંડી ગામની શાળામાં ફરજ બજાવું છું. મારે ધારસીમેલ ગામથી મારે તેતરકુંડી ગામમા જવા માટે 6 કી.મી દૂર ચાલીને જવાનું અને 6 કી.મી દૂર ચાલીને આવવું પડે છે. આ ગામમા જવા માટે માત્ર પગદંડી જ રસ્તો છે. જે કોતરો અને જંગલ વિસ્તાર છે. શાળાએ પહોંચવા માટે બીક લાગે છે. પરંતુ બાળકોના અભ્યાસ પર અસર ન પડે એટલે અભ્યાસ કરાવવા જવ છું. પરંતુ જો ગામમા રસ્તો બની જાય તો ગામ લોકોને સુવિધા મળે તેમ છે. એટલે તંત્ર દ્વારા વહેલી તકે આ ગામમાં રસ્તો બનાવે તેવી માંગ છે. - તૃપ્તિબેન સરવૈયા, શિક્ષિકા
અમારા ગામમા વર્ષોથી રસ્તો નથી. ગામમાંથી કોઈ બીમાર માણસને દવાખાને લઈ જવું હોય તો ઝોળી બાંધીને લઈ જવું પડે છે. ત્રણ કેસ એવા બન્યા છે કે મુખ્ય રસ્તાએ પહોંચતા પહેલા જ રસ્તામાં મોત થઈ ગયા હતા. સરકાર અમારા ગામમા વહેલી તકે રસ્તો બનાવી આપે તેવી માંગ છે. - સુખરામ નાયક, ગ્રામજન