ક્વાંટ/ છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાની સગીરાનું અપહરણ કરીને બે ભૂવાઓને સોંપી દેવાની ઘટના સામે આવી છે. જેમાં સગીરાને નગ્ન કરીને શરીરના જુદા જુદા ભાગમાં ચાંદલા કરીને, પગમાં નાળીયેર બાંધ્યા હતા. પણ તાંત્રિકવિધિમાં વિધ્ન પડતા અને સગીરા બેભાઈ થઈ જતા અપહરણ કરીને લાવેલા આરોપીઓ એને ફરી છોડી ગયા હતા. ભાનમાં આવ્યા બાદ સગીરાએ પોતાની આપવીતિ કહી હતી.
આવી હતી યોજનાઃ છોટાઉદેપુર જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં એક સગીરા એકલી હોવાનું જાણવા મળતા આરોપીએ કાવતરૂ ઘડ્યું હતું. ગ્રામ્ય વિસ્તારની એક મહિલા અને યુવકે લગ્નમાં જઈને આવી એવું કહીને બાઈક પર કડુલી મોહુડી ચોક્ડી પરથી તણખલા ગામ બાજુ આવવા માટે બાઈકમાંથી ઈકો કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું. તણખલા ગામે સગીરાને લાવવામાં આવી હતી. ગામની નજીક આવેલા એક મકાનમાં તાંત્રિકવિધિ કરવામાં આવી હતી.
નગ્ન કરીને આવું કર્યુંઃ આ મકાનમાં અપહરણ કરીને આવેલી આરોપી સહિત અન્ય બે ભૂવાઓ પણ હતા. પછી સગીરાને નગ્ન કરવામાં આવી હતી. પછી તાંત્રિકવિધિ કરવા માટેના મંત્રોચ્ચાર યાદ કરાવ્યા હતા. "પિરમપીર દશખીતી ધીર, અગર મેરા કામ નહીં હુવા તો ફુલાસીંગ દાદા કી આન હૈ" જેના મંત્રો બોલાવ્યા હતા. પછી કોઈ પ્રવાહી પીવડાવતા સગીરા બેભાન થઈ ગઈ હતી. ત્રણ કલાક બાદ સગીરા હોંશમાં આવી હતી.
ધમકી આપી દીધીઃ આ પછી સગીરા સાથે રહેલી મહિલા સંગીતાએ ધમકી આપી હતી કે, કોઈને કંઈ કહેતી નહીં, કહ્યું છે તો જાનથી મારી નાંખીશ. પછી ટુકડે ટુકડે સવારી કરાવીને ચાર બસ બદલીને જે જગ્યાએથી બાઈકથી ઈકો કારમાં બેસાડી હતી એ જગ્યા પર લઈ ગયા હતા. પછી વિકેશ કુમાર નામનો યુવાન એને ઘર પાસે છોડી ગયો હતો. ભયભીત થયેલી સગીરાની પૂછપરછ કરતા તે હિંમતપૂર્વક બોલી હતી. પછી સમગ્ર કાંડ છતો થયો હતો. જે અંગેની ફરિયાદ પરિવારજનોએ ક્વાટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
શું કહે છે પોલીસ અધિકારીઃ આ અંગે ક્વાંટ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એસ. ગામિતે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાંથી આરોપીઓનું લોકેશન મળ્યું હતું. તપાસ ટીમ સાથે હું પણ જોડાયેલો છું. ઝડપથી આરોપીઓને પકડી પાડવામાં આવશે. હાલમાં જે ઈકો કાર ઉપયોગમાં લેવાઈ હતી એની તપાસ ચાલું છે. એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ ચાલું છે. પોલીસ સુત્રોમાંથી એવી પણ વિગત મળી છે કે, આ કેસ બે જિલ્લાની હદમાં બનેલો છે. સગીરાને નર્મદા જિલ્લામાં પણ લઈ જવાઈ હતી. તાંત્રિકની ઓળખ કરવા તપાસ ચાલું છે.
તાંત્રિકે એવું કહેલું છે કે, પંદર દિવસ બાદ ફરી આ વિધી કરવી પડશે.પછી છોકરીને ઘરે પરત મૂકી આવો. જેથી વિકેશ ભીલ પોતાની મોટર સાયકલ પર સગીરાને ઘરે મૂકી આવેલો. આ તાંત્રિક વિદ્યા પૈસા પાડવા માટે કરેલી હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાંથી જાણવા મળ્યું છે કે, 15 જેટલા લોકોની સંડોવણી હોઈ શકે છે. સગીરા પર કુકર્મ થયું છે કે, નહીં એ અંગે તપાસ ચાલું છે. તાંત્રિકની ધરપકડ થયા બાદ અન્ય હકીકત સામે આવશે.--વી.એસ. ગામિત (પીઆઈ, ક્વાંટ પોલીસ સ્ટેશન)
આરોપીઓની વિગતઃ સંગીતા ભીલ, વિકેશ ભીલ, દિલિપ ભીલ તથા ત્રણ અજાણ્યા શખ્સો, બે ભૂવા સહિત 10 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે. તારીખ 26 એપ્રિલે આ અંગે એક ફરિયાદ થઈ હોવાનું જાણવા મળે છે. જોકે, આ પ્રકારની ઘટના સામે આવતા ભૂવાઓનું ખોટુ રાજ કેટલા પરિવારનો ભોગ લેશે એ ચર્ચા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં થઈ રહી છે.