- છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ પડ્યો
- ઝાંઝરઝોલ ગામમાં કોતરમાં તણાઈ જવાથી બે વ્યક્તિઓના મોત થયાની બની ઘટના
- ઝાંઝરઝોલ મુકામે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
છોટાઉદેપુર: ભારે વરસાદને પગલે કવાંટ તાલુકાના ઝાંઝરઝોલ ગામમાં કોતરમાં તણાઈ જવાથી બે વ્યક્તિઓના મોત થયાની ઘટના બની છે, જ્યારે એજ ગામમાં અને એજ સમયે એ જ કોતરમાં પિતાએ કોતરના આ કિનારે 8 વર્ષના મનકરને મૂકીને મોટર સાયકલને પેલે કિનારે મૂકવા ગયા હતા. મોટર સાયકલ મૂકવા ગયા તે સમયે પાણીનો પ્રવાહ થોડો ઓછો હતો. જેથી પિતા બાળકને આ કિનારે મુકીને પહેલાં મોટરસાયકલ પેલા કિનારે મુકી આવું પછી બાળકને પાણીમાં ચાલીને લેવા આવું તેવી ગણતરી મુજબ સામે કિનારે મોટરસાયકલ મુકવા ગયા હતા.
બાળક કોતરના પાણીમાં તણાઇ ગયું
પિતા બાળકને લેવા આ કિનારે વળે તે પહેલા ધોધમાર વરસાદ વિજળીના ચમકારા કડાકાભડાકાના લીધે ગભરાઈ ગયેલા બાળકે પોતાના પિતાની રાહ જોઈને આપમેળે કોતર પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. અચાનક વધી ગયેલા પાણીના પ્રવાહ લીધે બાળક કોતરના પાણીમાં તણાઇ ગયું હતું. બાળકનો મૃતદેહ બે દિવસની ભારે શોધખોળ બાદ 10 સપ્ટેમ્બરના રોજ સવારે ઝાંઝરઝોલ ગામની વાવ પાસે માટીની ઓટમાં દટાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
પાનવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી કરી તપાસ
પાનવડ પોલીસ ઘટના સ્થળે જઈને સ્થળ પર પંચકયાસ કરીને મૃતદેહને સામુહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ ઝાંઝરઝોલ મુકામે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.