ગુજરાતમાં કૌભાંડ પર કૌભાંડ બહાર આવી રહ્યા છે. મગફળી, ખાતર, તુવેર સહિતના કૌભાંડો બહાર આવ્યા છે. અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોમાં તુવેર દાળનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવ્યા હતા, પરંતુ હવે આગામી દિવસોમાં આ પ્રકારના બનાવ સામેના આવે તે માટે રાજ્યના 300 જેટલા પુરવઠા નિગમના ગોડાઉનમાં CCTV લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગોડાઉનોમાં કયા કારણોસર ચોરી થઈ તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં એક મુદ્દો કર્મચારીઓની ઘટનો પણ સામે આવ્યો છે.
ત્યારે આ અંગે પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકે જણાવ્યું હતું કે, દ્વારકા કૌભાંડમાં જે લોકો જવાબદાર હતા. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે બુધવારે પુરવઠા નિગમના મેનેજર સાથે ચેરમેન દ્વારા બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. પરંતુ આ ચોરી થવા પાછળ નિગમમાં રહેલી કર્મચારીઓની અછત પણ જવાબદાર છે.
ઓછા કર્મચારીઓ હોવાના કારણે કામગીરીમાં સ્થિરતા આવતી નથી. હાલમાં નિગમમાં 45 ટકા કર્મચારીઓ છે, જ્યારે 55 ટકા કર્મચારીઓની નિગમમાં ઘટ છે. ત્યારે આગામી દિવસોમાં નિગમમાં રહેલી ઘટને પૂરવા માટે પુરવઠા પ્રધાન સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.