જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કાંકરીયા ખાતે એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટી પડવાથી બે વ્યક્તિના સ્થળ પર મૃત્યું થયા હતા અને 29 જેટલા ઈજાગ્રસ્તોને મ્યુ. કોર્પોરેશનની ટીમ, પોલીસ, ફાયરબ્રિગ્રેડ અને 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સારવાર માટે ઘાયલને એલ.જી. હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા હાથ ધરી હતી. રાઈડમાં કુલ 31 વ્યક્તિઓ બેસેલા હતા, જે પૈકી 2 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા અને 29 ઈજાગ્રસ્તો પૈકી ગંભીર ઈજા પામેલા 10 વ્યક્તિઓને ઓપરેશન કરવામાં આવ્યા હતા. જે પૈકી અત્યંત ગંભીર એક વ્યક્તિને તબીબોએ તાકીદની સારવાર આપતા જીવ બચાવી શકાયો હતો. હાલ 17 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યા હતા કે, કાંકરિયામાં ફક્ત 24 રાઈડની મંજૂરી આપવામાં આવી હોવા છતાં પાર્કમાં 25 રાઈડ ચાલતી હતી. જ્યારે તંત્ર દ્વારા એક જ વર્ષ નું લાઈસન્સ આપવામાં આવ્યું હતું, ગુનો એ વ્યક્તિ પર દાખલ કરવામાં આવ્યો જે રાઈડ ચલાવતા હતા. જ્યારે મોટા અધિકારીઓ સામે સરકાર પગલાં લેવામાં આવશે કે નહીં ? સરકાર સહાય ચૂકવશે ? કોર્પોરેશન સહાય ચૂકવશે કે નહીં ? તેવા પ્રશ્નો કર્યા હતા. આ પ્રશ્નનના જવાબમાં જાડેજાએ જણાવ્યું હતું કે, જવાબદારો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે હેતુસર રાજ્યમાં નિયત મંજૂરીથી ચાલતી તમામ રાઇડ્ઝનું પુનઃ પરિક્ષણ અને નિરીક્ષણ કરવા તથા મંજૂરી વગર ચાલતી તમામ રાઇડ્ઝ તાત્કાલિક અસરથી બંધ કરવા અથવા કરાવવા તમામ પોલીસ કમિશ્નર અને જિલ્લા મેજીસ્ટ્રેટને સૂચના આપવામાં આવી છે.
આ ઘટના પ્રત્યે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંવેદના વ્યક્ત કરીને મૃતકોના વારસોને મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી 4 લાખની સહાય આપવાની જાહેરાત કરેલ છે. તેમજ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આપેલ સૂચનાને પગલે અન્ય રાજ્યોમાં એમ્યુઝમેન્ટના સ્થળો અને સાધનો માટે કેવા ધારા–ધોરણો છે તથા બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડના માપદંડો તેમજ વિદેશોમાં તેમજ વિશાળકાય રાઇડ્ઝ માટે કેવા ધારા-ધોરણો અનુસરવામાં આવે છે તે અંગેનો અભ્યાસ કરી જરૂરી નિયમો બનાવવા માટે સૂચન કરવામાં આવ્યા છે. તેથી જ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને સમિતિ બનાવવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમિતિનો અહેવાલ મળ્યા બાદ એમ્યુઝમેન્ટ પાર્ક અંગેના નવા નિયમો ઘડવામાં આવશે.