ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ગાંધીનગર ઉત્તરના વર્તમાન ધારાસભ્ય ડૉક્ટર સી.જે.ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. અમિત શાહે 30 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેમાં રોડ-શૉ કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું, ત્યારે કૉંગ્રેસના ઉમેદવાર ડૉ. સી.જે. ચાવડાએ અમિત શાહની શાહી ઉમેદાવરીને ટક્કર મારે તેવો રજવાડી રોડ શો યોજ્યો હતો. એક પ્રકારે ભાજપને ટક્કર આપે તેવું શક્તિ પ્રદર્શન થયું હતું. આ રોડ-શો વાસણ મહાદેવથી ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી યોજાયો હતો. જ્યાં રાધેજા પેથાપુર અને ગાંધીનગરમા ઠેર ઠેર વિસ્તારોમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડૉક્ટર ચાવડાએ કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે મારી જીત થશે. રોડ-શો રજવાડી ઠાઠમાં યોજાયો હતો, જ્યારે ડોક્ટર સી.જે.ચાવડા મહાદેવજીના દર્શન કરીને 51 કિલો ગોળ ચડાવ્યો હતો. સમગ્ર રોડ શો દરમિયાન ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જ્યારે 200 કરતા વધુ બાઈક સવાર રેલીમાં જોડાયા હતા.