વિધાનસભામાં રજૂ થયેલા બિલ મુદ્દે કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે વિચાર રજૂ કરતા જણાવ્યું હતું કે, આટલાં સમયથી ભાજપની સરકાર છે તેમ છતાં અશાંત ધારા લગાવવાની કેમ જરૂર પડી? જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે તેની સામે સરકારે કાયદેસરના પગલાં લેવાવા જોઈએ. જ્યાં શાંતિ પ્રવર્તતી હોય ત્યાં લોકોને હેરાનગતિ ન થાય તેવી કાર્યવાહી થવી જોઈએ અને ત્યાંથી અશાંત ધારા હટાવવી જોઈએ. ત્યારે સરકારને સૂચન આપતા જણાવ્યું હતું કે, કાયદાની છુટછાટનો ફાયદો અયોગ્ય વ્યક્તિ ન લઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
અમદાવાદના એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય રાકેશ શાહે વિધેયક બાબતે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, આ વિધેયક આવવાથી વ્યક્તિઓ માટે તો ખરું જ પણ મિલકત માટે પણ મહત્વનું રહેશે. કોઈ એક કે બે મકાનોને છોડી અન્ય મકાનોનાં સસ્તાં ભાવ હોવાનો લાભ લઈ અન્ય સમુદાયના લોકો તેનો ગેરલાભ લેતાં થઈ ગયા હતા. ત્યારે તબદીલીના આ નિયમોથી ફાયદો થશે.
અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે અશાંત ધારા સુધારા વિધેયક કહ્યું હતું કે, રાજ્યોના મોટા શહેરોમાં જે કોમી તોફાનો થયા તેમાં કોઈ વ્યક્તિ પોતાના અને પરિવારના રક્ષણ માટે પોતાના સમુદાયના વ્યક્તિઓ સાથે રહેવા જવાનું નક્કી કર્યું હતું. ત્યારે સરકારે બિલ કેમ લાવવું પડ્યું ? 1995થી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને શાંતિ જાળવવાનું કામ પણ સરકારનું જ છે. સરકાર કહે છે કે, અમારી સરકાર આવ્યા પછી તોફાનો બંધ થયા છે, મહિલાઓ સુરક્ષિત છે, રથયાત્રા સારી રીતે ઉજવાય છે ત્યારે અશાંત ધારાની જગ્યાએ શાંત ધારાનું બિલ લાવવું જોઈએ. આ બિલ લાવવું પડે છે તેનો અર્થ એ છે કે, રાજ્યમાં કાયદાની પરિસ્થિતિ કથળી છે. જ્યારે રાજ્યમાં માનવ અધિકાર આયોગનું ઉલ્લંઘન થાય છે તેમ લાગે છે. જ્યારે છેલ્લાં ઘણાં વર્ષોથી મુસ્લિમ ધારાસભ્યો રથયાત્રાનું સ્વાગત કરે છે. તો આ બિલ લાવવામાં સરકાર ઊતાવળ ના કરે અને લંબાણપુર્વક બિલ અંગે વિચાર કરે તેવી આવશ્યક્તા છે.
ઈમરાન ખેડાવાલાએ અશાંત ધારા વિધેયક પર જણાવ્યું કે, વિધેયકનો હું વિરોધ કરું છું. 1991માં કાયદો બનાવાયો ત્યારે કેટલી સમય મર્યાદા પુરતો આ કાયદો લાગુ હશે તે નક્કી કરાયો, પરંતુ કેટલીક સ્થિતિને જોતાં તે હંગામી ધોરણે જ લાગુ કરાયો હોવાનું ધ્યાને આવ્યું છે. અશાંત ધારા હેઠળ કાલુપુર, શાહપુર, ગાયકવાડ હવેલી, શહેર કોટડા, દરિયાપુર, મેઘાણીનગર, રામોલ, વગેરે જેવા વિસ્તારોમાં અશાંત ધારા હેઠળ જાહેરનામુ લાગુ કરાયું છે એટલે કે કાયદાની સ્થિતી વિષે સવાલ ઉઠ્યાં છે. જ્યારે કાશ્મીર સિવાય અન્ય કોઈ રાજ્યોમાં આવા કાયદા નથી. ત્યારે સરકાર ભયનું વાતાવરણ ઊભું કરવા માગે છે તેવા આક્ષેપ કર્યા હતા.