બરવાળા તાલુકાના ટીંબલા ગામે શાળામાં થયેલ તાળાબંધી મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગ્રામજનોની માગો સ્વીકારી તાળાબંધી ખોલી શાળા રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાના ટીંબલા ગામે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 ના વર્ગો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના પગલે ગ્રામજનો દ્વારા ધોરણ 6 થી 8ના વર્ગો ફરીથી શરૂ કરવાની માંગ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેઓની માગ હતી કે, જ્યાં સુધી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગામના તમામ વિદ્યાર્થીઓને અભ્યાસથી અળગા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તે સાથે જ જિલ્લા શિક્ષણાધિકારીના ધોરણ 6 થી 8 ના વર્ગો બંધ કરવાના આદેશના વિરોધમાં ગ્રામજનોએ સ્કુલમાં તાળા બંધી કરી હતી.
ટીંબલાની શાળાના 6-8ના વર્ગો બંધ કરવાના પગલે વિદ્યાર્થીઓને ગામથી 3 થી 4 કિલોમીટર દૂરના બેલા ગામમાં અભ્યાસના વર્ગો મર્જ કરવામાં આવ્યા હતાં. જેથી તમામ વિદ્યાર્થીઓને 3 થી 4 કિલોમીટરનું અંતર કાપી અભ્યાસ કરવા માટે જવું પડતું હતું. જેને લઇને ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, ત્યાર બાદ ગ્રામજનોની સમગ્ર માગણીઓનો સ્વીકાર કરતા અંતે શાળાને રાબેતા મુજબ શરૂ કરૂ હતી.