શાહપુર ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે પૂરતા ક્લાસરૂમ નથી. જેના કારણે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને ઝાડ નીચે બેસીને ભણવું પડે છે. તેમજ ગ્રામપંચયાતની કચેરીની પણ ગામમાં કોઈ સુવિધા નથી. જેથી બેઠકોનું આયોજન ખુલ્લી જગ્યાએ કરવી પડે છે. પંચાયતની બીલ્ડીંગ માટે 2 વર્ષ પહેલા જ મંજૂર કરાઈ હતી. પણ હજુ સુધી પંચાયતની કચેરી બનાવવામાં આવી નથી.
આ ઉપરાંત શાહપુર બરવાળા તરફનો રસ્તો બિસ્માર હાલતમાં છે. જેને થીંગડા મારવાની કામગીરી પણ ગોકળ ગાયની ગતિએ થઈ રહી છે. સફાઈ કામગીરી પણ સમયસર કરવામાં આવતી નથી. જેના કારણે ગામમાં ગંભીર રોગચાળો ફેલાઈ રહ્યો છે. છતાં ગામમાં કોઈ આરોગ્યલક્ષી સુવિધા કરવામાં આવી નથી.
આ મુદ્દે ગ્રામજનોએ તંત્રમાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. પણ નિંદ્રામાં ઘોરતાં તંત્રને ગ્રામજનોની મુશ્કેલીઓ દેખાતી નથી. જેથી રોષે ભરાયેલાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરવાનો નિર્ધાર કર્યો છે.