બોટાદ: સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના સાનિધ્યમાં બનાવવામાં આવેલી હનુમાનજીની મહાનમૂર્તિની નીચે લગાવેલી પ્રતિમાઓનો વિવાદ વકરતો જાય છે. ત્યારે બોટાદમાં આવેલા રોકડિયા હનુમાનજીના મહંત દ્વારા હાથમાં હથિયાર ઉઠાવીને ખુલ્લી ચીમકી આપી દેવામાં આવી છે. રોકડિયા હનુમાનના મહંત દ્વારા સુધરી જવા સાળંગપુરના કષ્ટભંજન દેવના મંદિરના સંચાલકોને જણાવવામાં આવ્યું છે. મોરારીબાપુ દ્વારા પણ કટાક્ષ કરી દેવામાં આવ્યો છે કે હું તો બોલ્યો હવે તમે બોલો, ત્યારે સમગ્ર ગુજરાતમાં ચારે તરફ રોષ જોવા મળી રહ્યો છે.
સંત દ્વારા વધની ચીમકી: સાળંગપુર હનુમાનજીની પ્રતિમા નીચે ભીંતચિત્રોનો વિરોધ ધીરે ધીરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જાય છે, ત્યારે બોટાદમાં આવેલા રોકડિયા હનુમાનજીના મંદિરના મહંત પરમેશ્વર મહારાજ દ્વારા ચીમકી પણ ઉચ્ચારી દેવામાં આવી છે. અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદી અખાડાના મહંત પરમેશ્વર મહારાજે જણાવ્યું હતું કે તેમના સંત સ્વામિનારાયણ છે તેમની પાસે જાય. હનુમાનજી મહારાજ માત્ર સીતા અને રામના સેવક હતા. અમે ઘણા સમયથી તેમને સહન કરતા આવ્યા છીએ. હાથમાં બંદુક ઉઠાવીને મહંત પરમેશ્વર મહારાજે યુદ્ધમાં જવાનો હુકાર લગાવ્યો હોય તેમ વિરોધ વ્યક્ત કર્યો હતો.
24 કલાકમાં ભીંતચિત્રોને હટાવવા ચીમકી: મહંતે જણાવ્યું કે સરકારે આ લોકોને ફરેબી બાબા જાહેર કરવા જોઈએ અને કાર્ડ આપી દેવા જોઈએ. જો આ લોકો નહીં સુધરે તો હું એમનો વધ કરી નાખીશ. શસ્ત્ર ઉઠાવવા પડશે તો અમે ઉઠાવવા તૈયાર થઈ ગયા છીએ. 24 કલાકમાં ભીતચિત્રોને હટાવવામાં નહીં આવે તો હાથમાં ના છૂટકે હથિયાર ઉપાડવા પડશે અને વધ કરીશ તેવું મહંતે જાહેર કરી દીધું છે. તો બીજી તરફ સાળંગપુર હનુમાનજીના મંદિરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કોઈ પણ માહિતી આપવાથી દૂર રહેવાની શરૂઆત કરી છે.
શું છે વિવાદ: બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં લગાવવામાં આવેલી 54 ફૂટની હનુમાનજીની મૂર્તિની નીચે ભીંતચિત્રમાં હનુમાનજીની મુદ્રાને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે. સોશિયલ મીડિયામાં થોડા દિવસ પહેલા હનુમાનજીનું અપમાન કરવામાં આવ્યું હોય તેવું વાયરલ થયું હતું. જેને પગલે સમગ્ર ગુજરાતમાં એક પછી એક સાધુ સંતો મેદાનમાં આવી રહ્યા છે અને હનુમાનજીની પ્રતિમા નીચે લાગેલી ભીંતચિત્રોની પ્રતિમાનો વિરોધ ઉઠાવી રહ્યા છે.