ભાવનગર: ડમીકાંડને ખુલ્લુ પાડનાર યુવરાજસિંહ જાડેજા સહિત અન્ય પાંચ શખ્સો સામે પોલીસે ડમીકાંડમાં તોડકાંડ થયાની ફરિયાદ નોંધાવી હતી. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી તોડકાંડની ફરિયાદમાં છ જેટલા આરોપીઓ ધરપકડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ એક પછી એક બહાર આવતા ગયા અને અંતે મુખ્ય આરોપી યુવરાજસિંહ પણ હવે જામીન ઉપર બહાર આવી ગયા છે. આમ દરેક આરોપીઓ હાલ જામીન પર મુક્ત છે.
બહાર આવ્યા બાદ યુવરાજસિંહે શું કહ્યું: યુવરાજસિંહે જણાવ્યું કે ભાવનગર ડમીકાંડ મામલે જે અસામાજિક તત્વો કામ કરી રહ્યા છે. જેમની વિરુદ્ધ મેં પુરાવા આપ્યા હતા. મેં અસિત વોરા સહિત મોટા મંત્રીના નામ લીધેલા. તેમને સમન્સ પાઠવવામાં ન આવ્યા અને મને જ કેમ સમન્સ પાઠવ્યા. તેમની પણ પુછપરછ કેમ ન કરાઈ.
શું છે સમગ્ર મામલો: ભાવનગરમાં ડમીકાંડનો પર્દાફાશ વિદ્યાર્થીઓના નેતા કહેવાતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ખુલ્લું પાડીને કરવામાં આવ્યો હતો. જેને પગલે 36 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ એક પછી એક ડમીકાંડમાં આરોપીઓ પકડવાની શરૂઆત થઈ હતી. પરંતુ ડમીકાંડની તપાસમાં તોડકાંડ થયો હોવાનું પોલીસે જાહેર કરીને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ડમીકાંડને ખુલ્લું પાડનાર યુવરાજસિંહ જાડેજા સામે જ તોડકાંડની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવરાજસિંહ જાડેજા સહિત છ શખ્સો સામે એક કરોડ કરતાં વધુ રકમની તોડકાંડની ફરિયાદ નોંધાવી હતી.
કોણ કરાઈ હતી ધરપકડ: ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ડમીકાંડને પગલે થયેલા તોડકાંડમાં પોલીસે યુવરાજસિંહ જાડેજા તેમજ તેના બે સાળા શિવભદ્રસિંહજી અને કૃષ્ણદેવસિંહજી, ઘનશ્યામ લાધવા, બીપીન ત્રિવેદી અને રાજુ એમ કુલ છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ યુવરાજસિંહ જાડેજા સહિત અન્ય પાંચની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે તોડકાંડની તપાસમાં રોકડ રૂપિયા યુવરાજસિંહ જાડેજાના બંને સાળાઓ મારફત સગેવગે કર્યા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં એક કરોડ જેવી કુલ રકમ પોલીસે સમયાંતરે ઝડપીને જાહેર કર્યું હતું.
તમામ આરોપીઓ જામીન પર: તોડકાંડનો મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ આરોપીઓ દ્વારા જામીન માંગવામાં આવ્યા હતા. જેમાં ઘનશ્યામ લાધવા, બીપીન ત્રિવેદી,શિવભદ્રસિંહજી, કૃષ્ણદેવસિંહજી અને અંતમાં મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજાએ પણ જામીન અરજી મુકતા મંજૂર કરવામાં આવ્યા છે. જો કે કોર્ટ દ્વારા ગુજરાત બહાર કોર્ટની મંજૂરી લીધા વગર જવું નહિ તેમજ પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાના શરતોને પગલે જામીન આપવામાં આવ્યા છે.
યુવરાજસિંહ કરશે મોટો ખુલાસો: મામલો હવે કોર્ટમાં આગળ ચાલવાનો છે અને આરોપીઓ બહાર જામીન ઉપર છે. ત્યારે શું થશે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. કારણ કે યુવરાજસિંહ જ્યારે જ્યારે કોર્ટમાં લાવવામાં આવતા હતા ત્યારે મીડિયા સમક્ષ હુંકાર ભરતા રહ્યા છે અને કહેતા રહ્યા છે કે "હું બહાર આવીશ તો મોટો ખુલાસો કરીશ" ત્યારે હવે મોટો ખુલાસો થશે કે કેમ ?