- આમ આદમી પાર્ટીએ છ મુસ્લિમ સમાજના લોકોને ટિકિટ આપી
- મુસ્લિમ સમાજના લોકોને સ્થાન આપતા કોંગ્રેસના મતોનું વિભાજન
- VIP વૉર્ડ ગણાતા તખ્તેશ્વર વૉર્ડમાં અબ્દુલરજાક સમદભાઈ કુરેશીને ટિકિટ આપી
ભાવનગર : મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોઈએ તો કોંગ્રેસે મુસ્લિમ સમાજના વ્યક્તિને એક પણ વૉર્ડમાં ટિકિટ આપાઇ નથી. કોંગ્રેસે છ અને આમઆદમી પાર્ટીએ છ મુસ્લિમ સમાજના લોકોને ટિકિટ આપીને સમાજને સાચવ્યો છે. આમ આદમી પાર્ટી પણ આવીને મુસ્લિમ સમાજના લોકોને સ્થાન આપતા કોંગ્રેસના મતોનું વિભાજન થશે. જેની સીધી અસર જોવા મળશે અને ભાજપને તેનો ફાયદો એ બેઠકો પર જોવા મળી શકે છે.
ભાજપની ટિકિટ વિતરણમાં મુસ્લિમ સમાજને સ્થાન
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચાલુ વર્ષમાં ભાજપ દ્વારા એક પણ મુસ્લિમ સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવી નથી. એટલું જ નહીં ગત ટર્મમાં પણ એક પણ મુસ્લિમ સમાજમાંથી ઉમેદવાર ન હતો અને આ વર્ષે પણ એક પણ ઉમેદવારને સ્થાન આપવા આવ્યું નથી. જ્યાં મુસ્લિમ સમાજની વસ્તી છે એવા વૉર્ડ કુંભારવાડા, વડવા બ ચિત્રા ફુલસર, ઉત્તર કૃષ્ણનગર, પીરછલ્લા છે. આ વૉર્ડમાં કોંગ્રેસની પેનલમાં બે તો ક્યાંક ત્રણ તો એક વૉર્ડમાં ચારે ચાર નગરસેવકો કોંગ્રેસના રહ્યા છે. પીરછલ્લા વૉર્ડમાં ગત ટર્મમાં મુસ્લિમ સમાજની વસ્તી હોવા છતાં ભાજપ ચારે ચાર બેઠક પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું હતું.
કોંગ્રેસની મુસ્લિમ સમાજને લઈને વિશ્લેષણ
કોંગ્રેસે હંમેશા મુસ્લિમ સમાજને ટિકિટ આપી છે. વડવા વૉર્ડની વાત કરીએ તો, ગત ટર્મમાં રહીમભાઈ કુરેશીને ટિકિટ મળી હતી અને આ વર્ષે પણ મળી છે. આ વૉર્ડમાં કોંગ્રેસને બે બેઠક મળી હતી. જ્યારે કરચલિયા પરા વૉર્ડની વાત કરવામાં આવે તો ગત ટર્મમાં કોંગ્રેસે ઈકબાલભાઈ બમુસાને ટિકિટ આપી હતી અને આ વર્ષે પણ આપી છે. નવા ચેહરામાં જોઈએ તો કુંભારવાડા વૉર્ડમાં મહિલા મુસ્લિમ સમાજની કુદરૂમબેન અખ્તરભાઈ રંધનપુરીને ટિકિટ આપી છે. ઉત્તરકૃષ્ણનગરમાં નગરસેવકની દીકરી શબાના વાહીદભાઈ ખોખરને ટિકિટ આપવામાં આવી છે. ગત ટર્મમાં જ્યાં લઘુમતી સાંજની સંખ્યા હતી ત્યાં એક પણ ઉમેદવાર નહીં. જીતતા કોંગ્રેસે ત્યાં નવો ચહેરો ઇબ્રાહિમ ઇસ્માઇલભાઈ સરવૈયાને ટિકિટ આપવામાં આવી છે. VIP વૉર્ડ ગણાતા તખ્તેશ્વર વૉર્ડમાં અબ્દુલરજાક સમદભાઈ કુરેશીને ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીનું પ્રથમ વખતમાં જ મુસ્લિમ સમાજને સ્થાન
આમ આદમી પાર્ટીએ 39 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યાં મુસ્લિમ સમાજની વસ્તી વધારે છે ત્યાં, આમઆદમી પાર્ટીએ મુસ્લિમ સમાજના ઉમેદવાર ઉભા રાખ્યા છે. કુંભારવાડામાં મુંમતાઝબેન ચૌહાણને ટિકિટ આપી છે તો, વડવા વૉર્ડમાં હમીદાબેન સમને ટિકિટ આપી છે. કરચલિયા પરા વૉર્ડમાં નુરુલ હસન શૈખને ટિકિટ આપી છે. જ્યારે વૉર્ડ ઉત્તરકૃષ્ણનગરમાં જ્યાં કોંગ્રેસની આખી પેનલ નીકળે છે, ત્યાં બે ઉમેદવાર ઉભા રખાયા છે. આરીફભાઈ શૈખ અને જિન્નાતબેન મલેકને ટિકિટ અપાઈ છે. વૉર્ડ નં. 6 પીરછલ્લામાં શોએબ મલિકને ટિકિટ આપી છે.
ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં કૂદેલા આપથી કોને નુકસાન?
ભાવનગર ત્રિપાંખીયો જંગ છે. ત્યારે 39 બેઠક પર આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી જ્યાં લઘુમતી સમાજ વધુ છે ત્યાં, આમ આદમી પાર્ટીએ વધુ મુસ્લિમ સમાજને ટિકિટ આપી છે. કોંગ્રેસની વધુ નગરસેવકે જીત મેળવી છે ત્યાં, ઉમેદવાર ઉભા રાખીને મતોનું વિભાજન કરવાની કોશિશ કરાઈ છે. ભાજપમાં એક પણ લઘુમતી ઉમેદવાર નથી એટલે વૉર્ડમાં કોંગ્રેસની લીડ તોડવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. જેનો સીધો લાભ ભાજપને મળશે તેમ લાગી રહ્યું છે.