ડુંગળીની નિકાસને કારણે ખેડૂતોને શુ ફાયદો અને શું નુકશાન? - disadvantages of onion export
ભાવનગર એશિયાનું બીજા નંબરનું એવું સ્થળ છે, જે ભારતને મોટી સંખ્યામાં ડુંગળી પુરી પાડે છે. છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી ડુંગળીમાં ખેડૂતો રડી રહ્યા છે. એવામાં ગત વર્ષે શરૂ કરેલી ડુંગળીની નિકાસ બંધ કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. રોષ શા માટે છે અને શું કારણ છે જાણો વિસ્તારથી...
ભાવનગરઃ જિલ્લો ડુંગળીનું પીઠું ગણાય છે. ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને કોઈ ખાસ યોજના કે સબસીડી મળતી નથી. ખેડૂતોને ડુંગળીની નિકાસ થાય તો સારા ભાવ મળી શકે છે, પરંતુ હાલ નિકાસ બંધ કરવામાં આવી છે. જે કારણે ખેડૂતો નારાજ થયા છે.
ભાવનગર જિલ્લો મહારાષ્ટ્રના નાસિક બાદ દેશનો બીજા નંબરનો સૌથી વધું ડુંગળી પકવતો જિલ્લો છે. જ્યાં ડુંગળીનું ઉત્પાદન મોટા પાયે થાય છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર આશરે વધુમાં વધુ 35 હેકટરમાં થતું હોય છે. ડુંગળીની મબલખ આવક શિયાળામાં થાય છે. શિયાળામાં આવતી ડુંગળીની આવક થતા સમયે પહેલા ભાવો તૂટે છે અને ખેડૂતને રસ્તા પર ફેકવાનો કે ખેતરમાં ટ્રેકટર ચલાવીને નાશ કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગત વર્ષે ખેડૂતોને નિકાસ નહીં કરવાથી કેટલાક ખેડૂતોએ ખેતરમાં ટ્રેકટર ચલાવ્યા હતા, પણ સરકારે પછી રહી રહીને મંજૂરી નિકાસની આપી હતી. જે બાદ હવે ફરી નિકાસની મંજૂરી રદ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને હાલ ડર સતાવી રહ્યો છે કે, આગામી બે માસ બાદ ડુંગળીની આવક બજારમાં થશે જે કારણે ભાવ તૂટવાની શક્યાતા છે. જે કારણે ખેડૂતો નારાજ થયા છે.
ગત વર્ષે ડુંગળીના ભાવ સારામાં સારા ભાવ 20 મણના 600 સુધી ગયા હતા, પણ ધીરે ધીરે આ ભાવ 10 દિવસમાં તૂટીને તળિયે પહોંચી ગયા હતા. ડુંગળી 30થી 80 રૂપિયે મણ વહેંચાવા લાગી હતી. એક તરફ ગત વર્ષે વરસાદનો માર અને બીજી તરફ ડુંગળીના ભાવ તળિયે આવી જતા ખેડૂતને કસ્તુરીએ રડાવ્યા હતા. જેથી અનેક ખેડૂતોએ ખેતરમાં ટ્રેકટર ફેરવી ડુંગળીનો નાશ કરી દીધો હતો. ત્યારે બાદમાં નિકાસની છૂટ આપ્યા બાદ પુનઃ સરકારે હાલમાં નિકાસ રદ કરી છે. તેની પાછળ કારણ બજારમાં ખરીદનારને ડુંગળી સસ્તી મળી રહે તે કારણ જવાબદાર છે.
આ પરિસ્થિતિમાં વેપારીઓના જણાવ્યા મુજબ, નિકાસ હાલમાં ભલે બંધ કરાઈ હોય કારણ કે, બે મહિનામાં ડુંગળીની આવક બજારમાં આવશે નહીં. બે મહિના બાદ છેલ્લા બે વર્ષથી ભાવ મળતા નથી. સરકારે આગામી બે મહિના બાદ ડુંગળીની આવક થયા બાદ નિકાસ શરૂ કરવાની જરૂર પડશે. ત્યારે બે મહિના બાદની માગ ખેડૂતો અત્યારથી કરી રહ્યા છે.
ડુંગળીનું પીઠું હોવા છતાં વર્ષોથી એક પણ સરકારે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહે તેવી કોઈ યોજના કે સબસીડી આપી નથી. ત્યારે 2013 આસપાસ આપેલી 1 રૂપિયાની સબસીડીમાં યાર્ડના ગેટપાસ પ્રમાણ ગણવામાં આવતા ખેડૂતોને લાભ મળ્યો ન હતો. કારણ કે, કેટલાક યાર્ડમાં જિલ્લામાં ગેટપાસ પ્રથા ન હોવાથી મહુવા સિવાયના જિલ્લાના મોટાભાગના ખેડૂતોને આ સબસીડીનો લાભ મળ્યો નથી. આમ કોણીએ ગોળ લગાડવાની સરકારની નિતિને કારણે આજે જગતનો તાત પાયમાલ થઈ રહ્યો છે.