ભાવનગર: જિલ્લામાંથી હાલમાં તાજેતરમાં હરિદ્વાર યાત્રાએ ગયેલા આશરે પાંચ જેટલા લોકોના મૃત્યુ થયા છે. ફરી એક બીજી ઘટના હરિદ્વાર યાત્રાએ ગયેલા ભાવનગર જિલ્લાના રહેવાસીઓ સાથે બનવા પામી છે. ભાવનગરના દિહોરમાંથી હરિદ્વાર તરફ ઉપડેલી બસ હરિદ્વાર પહોંચે તે પહેલા રાજસ્થાનમાં અકસ્માતનો ભોગ બની છે. જેમાં 12 લોકોના મોત થયા છે અને 11 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
અકસ્માત અન્ય રાજ્યમાં: ભાવનગર જિલ્લામાંથી તાજેતરમાં જ ઉતરાખંડ ગયેલા હરિદ્વારના યાત્રિકોને અકસ્માત નડ્યો હતો. જેમાં ભાવનગરના કુલ પાંચથી છ જેટલા લોકોના મૃત્યુ થયા હતા. અકસ્માતના બનાવવામાં યુવાન પણ મૃત્યુ પામ્યા હતા. જેને કારણે પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. જોકે હાલમાં ફરી એક ઘટના હરિદ્વાર ગયેલા યાત્રિકો સાથે બનવા પામી છે. ભાવનગર જિલ્લાના દિહોર ગામમાંથી હરિદ્વાર યાત્રાએ ગયેલી બસને રાજસ્થાનના હંતરા પાસે જયપુર આગ્રા હાઈવે ઉપર અકસ્માત નડ્યો છે. બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 12 લોકોના મૃત્યુ અને 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
દિહોર ગામના સરપંચ આપી માહિતી: વીણભાઈ મકવાણા કે જેઓ દિહોર ગામના સરપંચ છે તેમણે કહ્યું કે ત્રણ દિવસ પહેલા દિહોર ગામમાંથી હરિદ્વાર માટે એક બસ યાત્રા માટે રવાના થઈ હતી. દિહોર ગામના 48 જેટલા લોકો હરિદ્વાર માટે ત્રણ દિવસ પહેલા રવાના થયા હતા. જો કે બસમાં મોટાભાગે વૃદ્ધો સવાર છે. આ યાત્રામાં દિહોર ગામના કોળી સમાજ અને બ્રહ્મ સમાજના લોકો સવાર છે. જોકે ઘટનાની જાણ થતા અમે હાલ રાજસ્થાન જવા માટે રવાના થયા છીએ વધુ માહિતી રાજસ્થાન પહોંચ્યા બાદ સ્પષ્ટ આપી શકાશે.
'અકસ્માતમાં 12 લોકોનાં મોત થયા છે. ઈજાગ્રસ્ત છે તેમની તબિયત સારી છે. જોકે પ્રાથમિક માહિતી દિહોર ગામની બસ હોવાની આવી રહી છે પરંતુ ત્યાંના તંત્ર દ્વારા અમારો સંપર્ક શરૂ છે. વધુ માહિતી આવ્યા બાદ અમે જાણ કરી શકીએ. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ 6 મહિલાઓ અને 5 પુરુષ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે સમગ્ર ઘટનાને લઈને સીએમ દ્વારા પણ ટ્વિટ કરી દેવામાં આવ્યું હતું. 4 લાખની મૃતકોને સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે.' -આર.કે મહેતા, કલેકટર, ભાવનગર
કલેકટરે પુરી પાડી માહિતી: કલેકટર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ પ્રાપ્ત વિગતો મુજબ 13મી સપ્ટેમ્બર વહેલી સવારે ભરતપુર જિલ્લાના નદબઇ વિસ્તારમાં યાત્રિકોની બસમાં ખામી સર્જાતા રિપેરિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ટ્રક સાથે અકસ્માત થતા બસની બહાર ઊભેલા અને અંદર બેઠેલા 11 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 11 વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. આ પ્રવાસીઓ કાર્તિક ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી રહ્યા હતા, જેને નંબર GJ-04V-7747 છે. મૃતકો અને ઈજાગ્રસ્તોને ભરતપુરની આર.બી.એમ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકો અને ઇજાગ્રસ્તો ભાવનગરના તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી છે અને તેઓ ભાવનગરથી મથુરા જઈ રહ્યા હતા.