ભાવનગર: ઉત્તરાખંડ ગંગોત્રી ચાર ધામ યાત્રામાં ગયેલા મુસાફરોની બસનો અકસ્માત થતાં ભાવનગરના સાત લોકોના મૃત્યુ નીપજ્યાં છે. ત્યારે મૃતકમાં પાલીતાણા ગામના નાની વયના કરણ ભાટી નામના યુવકનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક પરિણીત છે. તેમના બાળકોએ પોતાના પિતાને ગુમાવતા પરિવાર શોક મગ્ન બન્યો છે.
પરિવારમાં શોક: ઉતરાખંડ ગંગોત્રી નજીક બનેલી ઘટનામાં સાત મૃતકોમાં સૌથી નાની વયના કરણ ભાટી 29 વર્ષના હતા. કરણ ભાટીનું નિવાસ સ્થાન પાલીતાણામાં આતપર રોડ આવેલું છે. સંયુક્ત પરિવારમાં રહેતા આ યુવાનનો પરિવાર ટ્રેક્ટર અને અન્ય માલવાહક સાધનો અને પશુપાલનના વ્યવસાય દ્વારા રોજીરોટી મેળવે છે. વણઝારા તરીકે ઓળખાતા ભાટી પરિવારના યુવાનના મૃત્યુ બાદ પરિવાર શોકમગ્ન છે.
બાળકો બન્યા પિતાવિહોણા: કરણના કાકા પ્રેમાજીએ જણાવ્યું હતું કે, "કરણ ભાટી અને અન્ય ત્રણ યુવાનો પાલીતાણાથી ઉત્તરાખંડ ચારધામ યાત્રાએ જવા નીકળ્યા હતા અને બનાવ બાદ અહીંથી પણ પરિવારના ચાર-પાંચ સભ્યો ઉત્તરાખંડ ગયા છે. કરણ ભાટી તેમની પાછળ બે પુત્રી અને પુત્રને મૂકી ગયા છે.
મૃતકોને અમદાવાદ લવાશે: ભાવનગર કલેકટર આર કે મહેતાએ માહિતી આપી હતી કે, 'ઉત્તરાખંડમાં મૃત્યુ પામનારને અમદાવાદ લાવવામાં આવશે. જેમાં 6 મૃતકોના મૃતદેહ ફ્લાઈટ દ્વારા સાંજે 6 વાગ્યે અમદાવાદ લવાશે. ત્યાંથી એમ્બ્યુલન્સ મારફત મૃતદેહ તેમના વતન મોકલશે. એક મહિલાના અંતિમ સંસ્કાર ઉત્તરાખંડમાં જ કરવામાં આવ્યા છે.
ભાવનગરના 28માંથી સાત લોકોના મોત: ઉતરાખંડ ગંગોત્રી ચારધામની યાત્રા માટે ભાવનગરથી 15 તારીખના રોજ 28 લોકો ટ્રેન અને હવાઈ મારફત દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીથી બસમાં ગંગોત્રી ચારધામની યાત્રાએ અંદાજે 33 લોકો નીકળ્યા હતા. ગઈકાલે બપોરે ચાર વાગ્યાની આસપાસ ગંગોત્રીથી પરત હોટલ જઈ રહેલી બસમાં ભાવનગરના 28 મુસાફરો અને સુરતના ત્રણ મુસાફરો હતા. આ બસ ખાઈમાં ખાબકી હતી. જેને પગલે ભાવનગરના 28માંથી સાત લોકોના મૃત્યુ થયા છે. બનાવ બાદ ઉત્તરાખંડ સરકારનું વહીવટી તંત્ર કામગીરીમાં જોતરાયું હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ઉતરાખંડમાં 14 જેટલા ઇજાગ્રસ્તો સારવારમાં છે અને મૃતકોના મૃતદેહને વતન મોકલવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મૃતકોની યાદી: ભાવનગરના શ્રી હોલીડે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા ચારધામ યાત્રાની ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 ભાવનગર જિલ્લાના અલગ અલગ ગામના લોકો યાત્રામાં જોડાયા હતા. ત્યારે ગંગોત્રી નજીક બનેલી અકસ્માતની ઘટનામાં ભાવનગરના 1) ગીગાભાઈ ગભાભાઇ ભમ્મર,ગામ પાદરી, તળાજા તાલુકો,2) મીનાબેન કમલેશભાઈ ઉપાધ્યાય ભાવનગર,3) અનિરુદ્ધ હસમુખભાઈ જોશી, તળાજા 4) દક્ષાબેન ગણપતભાઈ મહેતા 57 વર્ષીય, મહુવા,5) ગણપતભાઈ પ્રતાપભાઈ મહેતા, 61 વર્ષીય, મહુવા, 6) કરણ ભાટી 29 વર્ષીય, પાલીતાણા અને 7) રાજેશ રઘુભાઈ મેર, ગામ કઠવા, 40 વર્ષીયનાનું મૃત્યુ નીપજ્યું છે. તમામ મૃતકોનું ઉત્તરાખંડમાં પોસ્ટમોર્ટમ થયા બાદ એરલિફ્ટ કરીને ગુજરાત તેમના વતન લાવવાની કાર્યવાહી ચાલી રહી છે.