ભાવનગર: શહેરમાં વહેલી સવારથી ઉતરાયણ પર્વનો પ્રારંભ થયો હતો. શહેરમાં ધાબાઓ ઉપર પરિવાર સાથે લોકો પોહચ્યાં હતા. પવનની દિશા ઉતરની અને ગતિ પણ હોવાને પગલે પતંગ રસિયાઓને પ્રારંભમાં આનંદ છવાયો હતો. નાના મોટા સૌ કોઈ ઉતરાયણ નિમિતે ધાબા પર જોવા મળ્યાં હતા. ભાવનગર શહેરમાં વહેલી સવારે ઉતરાયણ નિમિત્તે નાના બાળકો, યુવાનો સૂર્યોદય પહેલા ધાબાઓ પર ચડી ગયા હતા. ધીરે ધીરે સૂરજ દેવ બહાર આવતાની સાથે પરિવાર સાથે લોકો ધાબાઓ ઉપર જોવા મળ્યા હતા. લોકોએ સવારથી પતંગ ઉડાડવા પવનની ગતિ સારી હોવાને પગલે રસિયાઓમાં આનંદ છવાયો હતો. લોકોએ સવારથી ધાબા પર ધામા નાખ્યા હતા.
મ્યુઝિક મસ્તી અને મકરસંક્રાતિ: સવારે 9 કલાક થતાં ધાબાઓ પર પરિવાર સાથે લોકો જોવા મળ્યાં હતા. ક્યાંક યુવાનોના ટોળા મળીને પતંગ ઉડાડવાની મજા લૂંટતા નજરે પડ્યા હતા. પરિવારો ચીકી,મમરાના લાડવા અને ટેપ ધાબાઓ પર લગાવીને ચીસો સાથે બીજાનો પતંગ કાપીને આનંદ લૂંટતા નજરે પડ્યા હતા. કાપ્યો છે, જો જાય જેવી બુમોથી આકાશ પણ ગુંજી ઉઠ્યું હતું. ગીતોમાં ભગવાન રામનું નવું હોટ ફેવરિટ બનેલું ગીત "બજાઓ ઢોલ નગારે ,રામ આયે હે" લોકોએ વગાડ્યું હતું. જ્યારે બીજું ગીત વધુ ધાબાઓ પર "ગોતી લે ગોતી લે" ગીતે પણ ફૂલ મચાવી હતી.
ભાવેણાવાસીઓની ભવ્ય ઉજવણી: ભાવનગરમાં ગત વર્ષ કરતા આ વર્ષે પવનની ગતિ અને માહોલ હકારાત્મક ધાબાઓ પર જોવા મળ્યો હતો. નાના બાળકોથી લઈને મોટેરો સૌ કોઈ સહ પરિવાર અને મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. કલરની દોરી અને આકાશ પતંગોથી ભરાયેલું હતું. શેરડીનો આનંદ લેતા લેતા પરિવાર સાથે યુવતીઓ મજા માણતી જોવા મળતી હતી. નવા કપડાઓ સાથે પરિવારોએ ધાબાઓ પર સેલ્ફીઓ લીધી હતી તો પતંગ ઉડાડવાની મજા લીધી હતી. જો કે ઘણા લોકો દ્વારા રસ્તા ઉપર લટકતી પતંગની દોરીઓ સ્વયંભૂ હટાવતા નજરે પડ્યાં હતા. રસ્તા પર નીકળતા લોકોને પતંગની દોરી ગળામાં ફસાઈ નહિ માટે લટકતી દોરીઓને હટાવતા નજરે પડ્યાં હતાં.