ભાવનગર: દેશમાં ચાલી રહેલા વનડે ક્રિકેટ વર્લ્ડ કપને દેશવાસીઓમાં અને ખાસ કરીને ક્રિકેટરસિયાઓમાં ખુબ જ રોમાંચ છે. ભારતમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં ભારતની સ્થિતિ એટલી મજબૂત છે કે, ભારત એકપણ મેચ હાર્યા વગર સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. જેના કારણે ક્રિકેટ ચાહકોમાં બમણી ખુશી જોવા મળી રહી છે. ત્યારે ભાવનગર શહેરના બે સોની વેપારીએ ચાંદીનો વર્લ્ડકપ બનાવ્યો છે.
ક્રિકેટ પ્રેમી સોની વેપારીઓ: 35 વર્ષીય જય સોની નામના વેપારીએ 11 ગ્રામ ચાંદી માંથી વર્લ્ડ કપ બનાવ્યો છે. જયનું કહેવું છે કે, તે ક્રિકેટનો શોખીન છે અને તેમને એમ હતું કે સોની બજારમાં કંઈક નવું કરીએ, જેથી તેમણે આ વર્લ્ડ કપ બનાવ્યો છે. જે બે થી ત્રણ દિવસમાં તૈયાર કરાયો છે. આ વર્લ્ડ કપ તેઓ વિરાટ કોહલીને આપવા માગે છે. અને આ વખતે ભારત વર્લ્ડ કપ જરૂર જીતશે તેવી તેમને આશા છે. જ્યારે 71 વર્ષના કનુભાઈ સોનીએ પણ ચાંદીનો વર્લ્ડ કપ બનાવીને ક્રિકેટ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. કનુભાઈએ જણાવ્યું હતું કે "આ ચાંદીનો વર્લ્ડકપ 2003માં મારા કાકાએ પણ બનાવેલો હતો. તેની પ્રેરણા લઈને મને પણ બનાવવાનું મન થયું. હું પણ ક્રિકેટનો ખૂબ શોખીન છું. હાલમાં જે ચાંદીનો વર્લ્ડકપ મેં બનાવ્યો છે તે 300 ગ્રામ ચાંદી માંથી બનાવવામાં આવેલો છે. કનુભાઈને પણ ભારત જીતશે તેવી આશા છે. કનુભાઈના ભત્રીજા કાર્તિકભાઈએ જણાવ્યું હતું કે "2003માં મારા દાદાએ વર્લ્ડ કપ બનાવેલો, ત્યાર બાદ ફરી મારા દાદાએ 300 ગ્રામ ચાંદીમાંથી ત્રણથી ચાર દિવસમાં વર્લ્ડ કપ બનાવ્યો છે.
સોની બજારમાં ચર્ચા: ભાવનગરની સોની બજારમાં આ બંને ક્રિકેટ પ્રેમી સોની વેપારીની ચર્ચા થઈ રહી છે. હાલની મોંઘવારીમાં અને ચાંદીની કિંમત ઉંચી હોવા છતાં આ ક્રિકેટ રસિક સોની વેપારીઓએ ચાંદીના વર્લ્ડ કપ બનાવીને ભારતીય ક્રિકેટ ટીમનો ન માત્ર ઉત્સાહ વધાર્યો છે પરંતુ ક્રિકેટ પ્રત્યે છુપાયેલો પોતાનો અપ્રતિમ પ્રેમ પણ જાહેર કર્યો છે.