ભાવનગર : એશિયાના સૌથી મોટા શિપ બ્રેકીંગ યાર્ડ એવા અલંગને કેન્દ્ર સરકાર દ્વારા 18 જેટલા મુદાઓ પર અમલીકરણ કરી અને બાદમાં શીપ બ્રેકીંગમાં કામગીરીનો પ્રારંભ કરવા તાકીદ કરી છે. જેમાં સૌથી મહત્વની બાબત કે, તમામ શ્રમિકોનું થર્મલગન દ્વારા ચેકિંગ કરી અને બાદમાં જ પ્લોટમાં પ્રવેશ આપવામાં આવે, તમામ માટે જરુરી માસ્ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સનું પાલન, કામે જતા આવતા સમયે ભીડ ના થાય તેની કાળજી, કોઈ શ્રમિક પોતાની સહમતીથી જ કામે આવશે, કામ પર આવવા દબાણ નહિ કરી શકાય, 8 કલાકને બદલે 12 કલાક શ્રમિકો કામ કરી શકશે, જેમાં 4 કલાકના વધારાનું વળતર આપવું પડશે, શ્રમિકોને પ્લોટમાં રહેવાની વ્યવસ્થા અથવા તેમના માટે વાહન વ્યવસ્થા પણ કરી આપવા જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ અલંગમાં માત્ર શીપ બ્રેકીંગને શરુ કરી શકાશે. જેમાં ફર્નીચર વેચાણ અને સ્ક્રેપ વેચાણને મંજુરી આપવામાં આવી નથી.
અલંગમાં ફરી શીપ બ્રેકીંગને કાર્યરત કરવાની વાતોથી જ સ્થાનિક અને આસપાસના ગામના લોકોમાં ભય ફેલાયો છે. અલંગમાં હજુ સુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જયારે ભાવનગરમાં 32 કેસ નોંધાય ચુક્યા છે. જેથી અલંગમાં ભાવનગરના લોકોની અવરજવરથી અહીના લોકો પણ કોરોનાના શિકાર બની શકે તેવી ભીતિના કારણે અલંગને ફરી શરુ ના કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે. જયારે આ ભયની વાતને શીપબ્રેકર રમેશભાઈ મેંદપરાએ ટેલિફોનીક વાતચીતમાં સમર્થન આપ્યું છે. જેથી હાલ એ કહેવું અઘરું બની જશે કે, આવતીકાલથી અલંગ શરુ થશે કે કેમ?