ભાવનગરઃ દેશભરમાં કોરોના વાઈરસના સતત વધી રહેલા ફેલાવાને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનના કડક અમલીકરણ વચ્ચે અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં રશિયન એમ્બેસીની મધ્યસ્થીથી ખાસ કિસ્સામાં જહાજ બીચ કરાવવામાં આવ્યું છે. તેમજ શીપ સાથે આવેલા વિદેશી ક્રુ મેમ્બરોને પરત રશિયા જવા માટે સરકાર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
લોકડાઉનને કારણે પહેલા જહાજ ન ઉતારવાનો કરાયો હતો નિર્ણય
અલંગ શીપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 107 યુનિક શિપબ્રેકર્સ દ્વારા લોકડાઉન પહેલા ખરીદવામાં આવેલું ડાંકો જહાજ 11 રશિયન ક્રૂ મેમ્બરો સાથે 4થી માર્ચના રોજ એન્કરેજ પોઇન્ટ ખાતે આવી પહોંચ્યું હતું. કસ્ટમ્સ દ્વારા આ શિપનું બોર્ડિંગ કરવામાં આવ્યું હતું પરંતુ જીપીસીબી દ્વારા ડેસ્ક રિવ્યૂની પ્રક્રિયા બાકી રાખવામાં આવેલી હતી. આ દરમિયાન લોકડાઉનના કારણે કેન્દ્ર સરકાર દ્વારા દેશોના ક્રૂ મેમ્બર્સ અને બાદમાં તમામ વિદેશી ક્રુ મેમ્બરોને અલંગમાં નહીં ઉતરવા દેવા અંગેનો હુકમ કરવામાં આવ્યો હતો.
લોકડાઉન દરમિયાન આંતરરાષ્ટ્રીય હવાઇ સેવા પણ બંધ કરી દેવામાં આવતાં અલંગમાં આવતા જહાજો ફસાયા હતા.તેમજ ક્રૂ મેમ્બર્સને રાશન પાણી સહિતની અનેક સમસ્યાઓ ઉભી થઈ હતી. જહાજના શિપિંગ એજન્ટ સાંઇ શિપિંગ એજન્સી દ્વારા રશિયન એમ્બેસી અને અન્ય કાયદાઓને આધિન 29મી માર્ચના રોજ પ્લોટની સામે સલામત રીતે કોલ્ડ સ્ટેકિંગ કરાવવામાં આવ્યું હતું. જહાજ પર જનરેટર તથા રાશનનો જથ્થો પ્લોટ માલિકની મદદથી મોકલાવવામાં આવ્યો હતો.
ક્રુમેમ્બર્સને રશિયા મોકલવાની તૈયારી
બીજી તરફ ભારતમાં લોકડાઉનનો સ્પષ્ટ અમલ થઈ રહ્યો હોવાથી એક પણ વિદેશી ક્રૂ મેમ્બર જહાજમાંથી નીચે ઉતરી શકે નહીં તેવા કડક કાયદા વચ્ચે રશિયન એમ્બેસી દ્વારા કરવામાં આવેલી મધ્યસ્થીથી શિપને 18મી એપ્રિલના રોજ પ્લોટમાં બીચિંગ કરાવવામાં આવ્યું હતું. આ સાથે જહાજ સાથે રહેલા 11 રશિયન ક્રૂ મેમ્બર્સને કિનારા પર સલામત રીતે લાવવામાં આવેલા હતા. અલંગ ખાતે પ્લોટમાં જહાજ બિચિંગબાદ જહાજ અને સાથે આવેલા ક્રૂ મેમ્બરોની આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી હતી. ભાવનગરમાં એક પણ હોટલ નિયમોને આધીન ચાલુ નથી ત્યારે ખાસ કિસ્સામાં અગિયાર રશિયન ક્રૂ મેમ્બરો માટે એક હોટલને મંજુરી અપાવવામાં આવી હતી. તેમજ સરકાર દ્વારા જહાજ સાથે આવેલ 11 ક્રૂ મેમ્બરોને પોતાના દેશ રશિયા પરત મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.