ભાવનગર : બાળકોનું ઘડતર સૌથી શ્રેષ્ઠ એક મા બાદ એક શિક્ષક જ કરી શકે છે. એક મા ના સ્વરુપે શિક્ષક દ્વારા જો શાળાના બાળકોમાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરવામાં આવે તો તે બાળકો જીવનમાં શ્રેષ્ઠતા અને સિદ્ધિ હાંસલ જરૂર કરી શકે છે. ત્યારે ETV BHARAT આ ખાસ અહેવાલમાં જાણો જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર "મોજીલા માસ્તર" ની કારકિર્દી વિશે અને કોણ છે આ મોજીલા માસ્તર...
મોજીલા માસ્તર મુકેશભાઈ : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલું અવાણીયા ગામ, જેમાં આવેલી કુમાર પ્રાથમિક શાળામાં મોજીલા માસ્તર તરીકે ઓળખાતા મુકેશભાઈ વાઘેલા બાળકોના પ્રિય છે. મુકેશભાઈ વાઘેલા બાળકોને મા બનીને શિક્ષણ આપી રહ્યા છે. અભ્યાસમાં બાળકોને વાર્તા અને અભિનવ દ્વારા શિક્ષણ ગળા નીચે ઉતારવાની તેમની આગવી આવડત છે. શાળાની પ્રાર્થનામાં પણ તેઓ ગીતોને અભિનય દ્વારા દર્શાવે છે. આમ બાળકોને ગીત અંગે સમજણ પણ આવવામાં આવે છે. આ સાથે વર્ગખંડમાં પણ તેઓ બાળકોને બાળવાર્તાઓ અને બાળગીતો અભિનયથી સમજાવતા આવ્યા છે. શાળાના પ્રારંભમાં નવા સત્રએ તેઓ વેશભૂષા ધારણ કરીને ક્યારેય જોકર તો ક્યારેક અન્ય પાત્રમાં બાળકોનું સ્વાગત કરે છે. આથી મુકેશભાઈ વાઘેલાને સમગ્ર શાળા અને ગામમાં મોજીલા માસ્તર તરીકે ઓળખવામાં આવે છે.
આ એવોર્ડ મને શા માટે મળ્યો એવો સવાલ જરૂર થાય છે, તો એટલા માટે એ પ્રશ્ન સૌ કોઈ પૂછતા હોય છે. હું મારી શાળામાં એવો પ્રયત્ન કરતો હોઉં છું કે બાળકોને ઘર કરતાં શાળામાં વધુ ગમે. એ માટે હું શાળામાં વેશભૂષા કરું છું. બાળગીતો અને વાર્તાઓ પર અભિનય કરું છું. કોઈપણ બાળક સારું કાર્ય કરે તો તેને ઈનામ આપુ છું. બાળક શાળાએ તૈયાર થઈને ન આવે તો તેને વ્યવસ્થિત કરું છું. બટન તૂટી ગયું હોય તો બટન ટાંકી આપું છું, વાળ વધી ગયા હોય તો મેં વાળ પણ કાપેલા છે. આથી મને શ્રેષ્ઠ એવોર્ડ મળવા જઈ રહ્યો છે. -- મુકેશભાઈ વાઘેલા (શિક્ષક, અવાણિયા પ્રા.શાળા-ભાવનગર)
શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન : ઘોઘા તાલુકાના અવાણીયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ વાઘેલા 1999 માં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યારથી લઈને આજદિન સુધી તેઓ અનેક પ્રવૃત્તિ કરતા આવ્યા છે. મુકેશભાઈને સાહિત્ય સર્જન ક્ષેત્રમાં બાળવાર્તાઓ તથા બાળગીતોની રચના કરી છે. 2020 બીજા સત્રમાં પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ પણ મેળવ્યો છે. એજ્યુકેશન ઇનોવેશન વર્ષ 2021-22 માં પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું. સાહિત્ય નિર્માણ માટે તજજ્ઞ તરીકે રહ્યા છે. ધોરણ 3 અને 4 માં MT તરીકે ફરજ પણ બજાવી છે. ઉપરાંત તેઓ ડાયેટ તાલીમમાં 10 દિવસથી વધુ રહ્યા છે અને રિસર્ચ પેપર પણ રજૂ કરેલું છે.
શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ : મુકેશભાઈ વાઘેલાની કામગીરી અંગે અવાણિયા પ્રા.શાળા આચાર્ય નિલેશ જાનીએ પોતાનો અનુભવ જણાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, શાળાના શિક્ષક મુકેશભાઈએ જિલ્લા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. મા બનીને તેઓ બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ઉપરાંત બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ વધે તેવો પ્રયાસ કરે છે. તેઓ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. જોકે તેમને હજુ આગળ રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળે તેવું ઈચ્છીએ છીએ.
સુવર્ણ કારકિર્દી : આ ઉપરાંત મુકેશભાઈ વાઘેલાએ કોરોના કાળમાં અનેક માસ્ક બનાવીને શાળા સહિત પોતાના ગામમાં વિતરણ કરેલું છે. આમ તેઓ સામાજિક પ્રવૃત્તિ પણ કરી રહ્યા છે. હાલમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડમાં તેમની પસંદગી કરવામાં આવી છે. જોકે અગાઉ તેમને વાત્સલ્ય મહેસાણા ફાઉન્ડેશન તરફથી 2023માં એવોર્ડ અપાયો હતો. જ્યારે વિદ્યાવાહક તરીકે 2022 મા સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. સરકારી એવોર્ડમાં તેમને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ 2019 માં મળ્યો હતો. 2022માં તાલુકા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. ગુજરાતના ગૌરવશાળી દીકરા-દીકરી એવોર્ડ પણ 2022માં પ્રાપ્ત કર્યો છે. હરિયાણા કુરુક્ષેત્ર રાષ્ટ્રીય નવાચાર્ય શિક્ષક પુરસ્કાર 2022 માં તેમના મેળવ્યો હતો.