ભાવનગર : પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શ્રેષ્ઠ શિવ પૂજા માટે પાર્થિવ શિવલિંગની પૂજા ઉત્તમ માનવામાં આવે છે. પાર્થિવ શિવલિંગ પૂજન ફાયદા અને કઈ રીતે શકાય તેના માટે ખાસ કથાકાર સીતારામ બાપુ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. શ્રાવણમાં કોઈ પણ વ્યક્તિ પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા કરી શકે છે. ભાવનગરના સીતારામ બાપુ વર્ષોથી પાર્થિવ દ્વાદશ જ્યોતિર્લિંગ બનાવી શ્રાવણમાસમાં પૂજા કરે છે.
પૌરાણિક સમયમાં પાર્થિવલિંગથી જ પ્રથમ શિવ પ્રગટ થયા હતાં. પાર્થિવલિંગનું મહત્વ એટલા માટે ખૂબ જરૂરી બની જાય છે કે પંચમહાભૂતોમાંથી બનેલું શરીર એટલે શિવ છે. પૌરાણિક રીતે જોઈએ તો ચંદ્ર દ્વારા પાર્થિવ લિંગ બનાવીને સોમનાથની પૂજા કરવામાં આવી હતી અને શિવને તેઓ પામ્યા હતાં. તે જ રીતે ભગવાન રામ પણ પાર્થિવ શિવલિંગ બનાવીને શિવની પૂજા અર્ચના કરી અને શિવને પામ્યા હતાં. પાર્વતીજીમા એ પણ પાર્થિવલિંગની પૂજા કરી હતી. મતલબ કે કોઈ પણ સામાન્ય માણસ પાર્થિવ શિવલિંગ એટલે કે માટેની શિવલિંગ બનાવીને તેની વિધિવત પૂજા કરી શકે છે...સીતારામ બાપુ
ભાવનગરમાં 18 વર્ષથી પાર્થિવ લિંગ બનાવવાની પરંપરા : ભાવનગર શહેરમાં 18 વર્ષથી કથાકાર સીતારામ બાપુ દ્વારા દ્વાદશ પાર્થિવ જ્યોતિર્લિંગ બનાવવામાં આવી રહી છે. ચાલુ શ્રાવણ માસમાં પણ દ્વાદશ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે. ભાવનગર શહેરના અધેવાડા નજીક શિવકુંજ આશ્રમમાં પાર્થિવ દ્વાદશ જ્યોતિર્લિંગ બનાવીને તેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. શ્રાવણમાસમાં પાર્થિવ શિવલિંગ પર અભિષેક રોજ કરવામાં આવી રહ્યો છે. બીલીપત્ર,દૂધ,જળ,પંચામૃત વગેરે દ્વારા શિવની ખાસ પૂજા કરવામાં આવે છે. ભક્તોને પણ પાર્થિવલિંગની પૂજાનો લાભ આપવામાં આવી રહ્યો છે. જો કે પાર્થિવ શિવલિંગ વિશે ઊંડાણમાં આપણે નીચે સમજીયે.
પાર્થિવ શિવલિંગ કેવી રીતે બને : પાર્થિવ શિવલિંગ વિશે કથાકાર સીતારામ બાપુ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે પાર્થિવ લિંગ માટીમાંથી બને છે. આપણું શરીર પણ માટીનું બનેલું છે. પંચમહાભૂતનું બનેલું આ શરીર કહેવાય છે એટલે કે પૃથ્વી, જળ, તેજ,વાયુ અને આકાશ તત્વ આવે છે. શિવ તત્વમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી છે. આથી શિવને પામવા પ્રથમ માટીના શિવલિંગને બનાવીને તેની પૂજા અર્ચના કરવી જોઈએ. આપણા શરીરમાં આઠ આની પૃથ્વી અને બાકી બે આની જળ, તેજ, વાયુ અને આકાશ તત્વ છે. પૃથ્વીના ગણપતિ, જળના શિવ, વાયુના આદ્યશક્તિ, તેજના સૂર્યદેવ અને આકાશના નારાયણ અધિપતિ કહેવામાં આવે છે.
શ્રદ્ધા જરૂરી : પાર્થિવ શિવલિંગની પૂજા કરવા માટે વ્યક્તિમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. આજના કળિયુગમાં દરેક મનુષ્ય ફળ હેતુ કાર્ય કરતો હોય છે. ત્યારે શિવને પામવા શ્રદ્ધા ઉદ્ભવે છે. શ્રદ્ધા એટલે આદ્યશક્તિ છે. આથી શ્રદ્ધા વગર શિવને પામવા સરળ નથી. શ્રદ્ધાનું પ્રતીક માતાજી, જ્ઞાનના ગણપતિ છે. આમ શરીરમાં અષ્ટાંગયોગ બને છે. હનુમાનજી ત્યાગના, કાચબો સંયમનું અને નંદી ધર્મનું પ્રતીક છે. આમ શિવને પામવા માટે શ્રદ્ધા સાથે દરેક પાસાં હોવા જરૂરી બની જાય છે. પાર્કિંગ બનાવીને પૂજા કરવા માટે શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. પૌરાણિક કથાઓમાં શિવે સાક્ષાત દર્શન પાર્થિવલિંગ પૂજા કરનારને આપ્યા છે.