પ્રાથમિક શિક્ષણના પ્રારંભથી જ ભાવનગરની નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે-સાથે આર્થિક બચતના પાઠ પણ શીખવવામાં આવી રહ્યા છે. જીવનમાં સફળ બનવાના નિશ્ચય સાથે અહીંના વિદ્યાર્થીઓ અભ્યાસ તો કરી જ રહ્યાં છે પરંતુ તેમને આર્થિક બચતનું મહત્વ પણ શરુઆતથી જ સમજાવવામાં આવશે તો જીવન વધુ સરળ બનશે. આ ઉમદા હેતુથી નવાગામ પ્રાથમિક શાળામાં "શાળા બચત બેંક" શરુ કરવામાં આવી હતી.
અહીંના શિક્ષિકા યાસ્મીન બેન માખણીયા દ્વારા વિદ્યાર્થીઓની આ બેંક ચલાવવામાં આવે છે. જેમાં ધોરણ 4થી 8ના બાળકો 10 રુપિયાથી પોતાનું ખાતું ખોલાવી શકે છે. શાળા બચત બેંકનો વહીવટ પણ બીજી બેંકોની જેમ છે. જેમાં પાસબુકથી લઈને વ્યાજ તેમજ રોકાણ સહિતની સીસ્ટમ તૈયાર કરવામાં આવી છે. શાળાના સમય દરમિયાન સવારે 10:30થી 11:30 સુધીમાં વિદ્યાર્થીઓ નાણાં જમા કરાવી શકે છે અને ઉપાડી શકે છે. જો ખાતામાં મોટી રકમ જમા હોય અને કોઈ વિદ્યાર્થી તેમાંથી મોટી રકમ ઉપાડવા ઈચ્છે તો શિક્ષક તેના વાલી સાથે વાત કર્યા બાદ જ મોટી રકમ ઉપાડવાની છૂટ આપે છે. જેથી બાળકો ખોટી રીતે નાણાં ઉપાડતા નથી તેનો ખ્યાલ પણ રાખવામાં આવે છે.
નવાગામ પ્રાથમિક શાળાની આ બચત બેન્કના નાણાંનું રોકાણ શાળામાં જ બનેલી રામહટ અને કેન્ટીનમાં કરવામાં આવે છે. રામહટ કે જેમાં બાળકો માટે પુસ્તક સહિતની અન્ય સ્ટેશનરી રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાત અનુસાર ત્યાંથી ખરીદી કરે છે. જયારે કેન્ટીનમાં નાસ્તા સહિતની વસ્તુઓ રાખવામાં આવે છે. આ બંને વિભાગમાં જે વાર્ષિક નફો થાય છે તે નફામાંથી વાર્ષિક 10 ટકા વ્યાજ વિદ્યાર્થીઓએ રોકેલી મૂડી પર આપવામાં આવે છે. આ બેંક છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે.