બહુચર્ચિત મેથળા બંધારો કે, જેને 12થી વધુ ગામોના ખેડૂતોએ આજથી બે વર્ષ પહેલા રૂ.50 લાખના સ્વ.ખર્ચે તૈયાર કર્યો હતો, પરંતુ આજે મેથળા બંધારો શું છે એ જાણવું જરૂરી છે. બાર ગામોમાંથી પસાર થતી બગડ નદીનું પાણી દરિયામાં વહી જાય છે, જયારે દરિયાની ભરતી સમયે તેનું ખારું પાણી આ નદીમાં પરત ફરતું હોય આ નદીના પાણીમાં ખારાશ ભળી જતા આ વિસ્તારની કિંમતી જમીન બીનઉપજાવ બની ગઈ હતી.
આ વિસ્તારના ખેડૂતો દ્વારા સરકાર પાસે બંધારો બાંધી આપવાની લાંબા સમયથી રજૂઆત હતી. તંત્ર યોગ્ય ડિઝાઈનના અભાવે તેની મંજુરી આપતું ન હોય ગામલોકોએ બે વર્ષ પહેલા 1 KM લાંબો આ બંધારો જાતે બાંધી સ્વ.ખર્ચે તૈયાર કર્યો હતો. જેના સારા પરિણામો આજે આ વિસ્તારના ખેડૂતોને મળી રહ્યા છે. ખેડૂતોએ બાંધેલો માટીનો બંધારો દરિયાના ખારા પાણીને પરત ફરતા અટકાવવામાં સફળ રહ્યો અને મીઠા પાણીનું હજારો હેક્ટરનું સરોવર આજે આ વિસ્તારના ખેડૂતો માટે ફાયદારૂપ બની ગયું છે.
કુવાઓના તળ ઊંચા આવી ગયા આ વિસ્તારોમાં પીવાના પાણીની હાલ કોઈ સમસ્યા નથી, ખેતરો અને વાડીઓ ફરી જીવંત બની જતા ચોમાસા ઉપરાંત શિયાળુ અને બાદમાં ઉનાળુ પાક પણ લઇ શકાશે અને આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં હરિયાળી નજરે પડી રહી છે ત્યારે સરકારે આ માટીના બંધારાની ઉપરના ભાગે રૂ. 137 કરોડના ખર્ચે તૈયાર થનાર સિમેન્ટ કોન્ક્રીટના બંધારાને મંજૂરી આપી દીધી છે.
જેના સર્વેની કામગીરી થોડા દિવસો પહેલા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ બંધારો વૈશ્વિક ડિઝાઈન અનુસાર બનશે જેમાં લંબાઈ અને ઉંચાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ બંધારા માટે વનવિભાગની 600 એકર તેમજ 281 હેક્ટર ખાનગી ખેડૂતોની જમીન ડૂબમાં જશે. જેમાં વનવિભાગને આ જમીન બદલે નવી જમીન અન્ય જગ્યા પર આપી દેવામાં આવી છે. જયારે ખેડૂતોને સાથે સંપાદનની કાર્યવાહી હાલ શરુ છે, જે પૂર્ણ થયે આ બંધારાની કામગીરી હાથ ધરવામાં આવશે.
સરકાર દ્વારા રૂ. 137 કરોડના ખર્ચે મેથળા બંધારો બાંધવાની જાહેરાતથી આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી છવાય છે. તેમના કહેવા મુજબ આ વિસ્તારમાં નવો, પાકો અને મજબુત બંધારાનું નિર્માણ થવાની આવનારા સમયમાં વધુ પાણીનો સંગહ થશે. જેનો મહત્તમ લાભ આ વિસ્તારના ગામોને થશે, ખેતી વધુ સમૃદ્ધ બનશે અને લોકોનું સ્થળાંતર અટકી જશે.