ભાવનગરઃ આ પંથકમાં મહાદેવના દર્શન માટે દરિયાએ પણ માર્ગ આપવો પડે છે. આ મહાદેવ એટલે નિષ્કલંક મહાદેવ. કોળિયાકના નિષ્કલંક સમુદ્રમાં ઋષિપંચમીના દિવસે ખાસ કરીને મહિલાઓ માટે સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે. આજે હજારોની સંખ્યામાં મહિલાઓએ નિષ્કલંક મહાદેવ, સાત ઋષિઓની પૂજા અને સમુદ્ર સ્નાનનો લાભ લીધો હતો. આ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તરવૈયાની ટીમની ઉપસ્થિતિ પણ હતી.
હજારો મહિલાઓ દ્વારા સમુદ્ર સ્નાનઃ નિષ્કલંક મહાદેવના પાવન સ્થળે ભાદરવી અમાસના રોજ લોકમેળો યોજાય છે. જેમાં લાખોની સંખ્યામાં ભકતો ઉમટી પડે છે. ભક્તો મહાદેવની પૂજા સાથે સમુદ્ર સ્નાનનો પણ લાભ લે છે. ભાદરવી અમાસના પાંચ દિવસ બાદ એટલે કે ઋષિ પાંચમના રોજ પણ નિષ્કલંક મહાદેવના શરણે લોકમેળો યોજાય છે. આ દિવસે ખાસ કરીને મહિલાઓ ઋષિઓના પૂજન બાદ સમુદ્ર સ્નાન કરી પાપ ધોવાય તેવી પ્રાર્થના કરે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે અત્યાધુનિક યુગમાં પણ યથાવત છે.
સામા પાંચમનું મહત્વઃ સમગ્ર ગુજરાતમાં ઋષિ પાંચમને 'સામા પાંચમ' તરીકે પણ ઉજવવામાં આવે છે. આજના દિવસે મહિલાઓ દ્વારા જીવન દરમિયાન કરેલા દરેક પાપોને નાશ કરવા માટે ઉપવાસ અને સ્નાનનું મહત્વ રહેલું છે. શાસ્ત્રો અનુસાર ઋષિ પાંચમના દિવસે તળાવ, નદી કે સમુદ્રમાં સ્નાન કરવું જોઈએ. તેમજ સામો નામના ખાદ્યપદાર્થના સેવનનું પણ મહત્વ રહેલું છે.
પાંડવો સાથે સંકળાયેલ ઈતિહાસઃ નિષ્કલંક મહાદેવ ખાતે એક નહિ પરંતુ પાંચ શિવલિંગો છે. પૌરાણિક કથા પ્રમાણે પાંડવો અંતે હિમાલય જવા નીકળ્યા ત્યારે તેમણે ભાવનગરના કોળીયાક નજીક નિષ્કલંક મહાદેવની સ્થાપના કરી હતી. પાંડવોના પાપ સંપૂર્ણ ધોવાઈ ગયા ત્યારે તેમના હાથમાં રહેલી કાળી ધજા સફેદ થઈ ગઈ હતી. આથી નિષ્કલંક મહાદેવના દરિયામાં સ્નાન કરવામાં આવે ત્યારે દરેક વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે. નિષ્કલંક મહાદેવને શરણમાં ભાદરવી અમાસના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દેશમાંથી ઉમટી પડે છે. જ્યારે ઋષિ પાંચમે પણ લાખોની સંખ્યામાં મહિલાઓ સ્નાન કરવા ઉમટે છે.